નખત્રાણામાં પવનચક્કી સામેનું આંદોલન ઉગ્ર બન્યુ, સ્થાનિકોએ કહ્યું પહેલા અમારી કબર બનશે, પછી જ અહીં પવનચક્કી ખોડવા દેશું;

શનિવાર, 7 ઑગસ્ટ 2021 (10:20 IST)
નખત્રાણા તાલુકાના સાંગનારામાં પવનચક્કીઓ સામેનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર બનતું જાય છે. ગૌચર, જંગલ અને પર્યાવરણ બચાવવા ગામલોકો હવે જીવ પર આવી ગયા છે. કંપની અને તંત્રની મીલીભગતથી નકશામાં ચેડા કરી ગૌચર જમીનમાં રાતોરાત મંજૂર કરવામાં આવેલી પવનચક્કીનો હુકમ કલેક્ટર જો એક મહિનામાં રદ નહીં કરે તો લડત તીવ્ર બનાવવાની ચિમકી સમસ્ત સાંગનારા ગ્રામજનો દ્વારા શુક્રવારે યોજાયેલી સભામાં ઉચ્ચારવામાં આવી હતી. શુક્રવારે સાંગનારામાં પવનચક્કી ભગાવો, જંગલ બચાવો, આંદોલનના ભાગરૂપે ગામથી શરૂ કરી ગૌચર જમીનમાં જયાં પવનચક્કીની મંજૂરી અપાઇ છે ત્યાં સુધી વિરાટ રેલી કાઢવામાં આવી હતી. પવનચક્કીવાળા જયાં સુધી હટે નહીં ત્યાં સુધી અાખરી શ્વાસ સુધી લડી લેવા આંદોલનકારી ગ્રામજનોઓ જંગલમાં યોજાયેલી સભામાં સમૂહમાં પ્રતિજ્ઞા લેતા આગામી દિવસોમાં સંઘર્ષના એંધાણ જોવા મળ્યા હતા.
 
પવનચક્કી સામે છેલ્લા દોઢ વર્ષથી આંદોલન ચલાવી રહેલા સાંગનારા ગામ લોકોની લડતને ટેકો આપવા આજે કચ્છભરમાંથી વન, ખેતી, પશુ ઉછેર અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ પણ આવી પહોંચતા સાંગનારાનો સીમાડો પર્યાવરણવાદીઓની છાવણીમાં ફેરવાઇ ગયો હતો.કચ્છના અનેક ગામોમાં સાંગનારા જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે પણ અહીં જેવી જાગૃતિ બધે ન હોવાનું જણાવી સભામાં હાજર પર્યાવરણવાદીઓએ સાંગનારાઅે જે આંદોલનની રાહ ચીંધી છે તેને આગામી દિવસોમાં કચ્છના અનેક ગામો અનુસરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટીઅે તંત્રની નીતિ સામે ચાબખા મારતાં જણાવ્યું હતું કે, અંગ્રેજ શાસનના ભણકારા વાગી રહ્યા હોય તેવો માહોલ છે ત્યારે સાંગનારાની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઇ રહી છે. બંદુકના નાળચે જે વિકાસ થઇ રહ્યો છે તે કચ્છની જનતાને નથી જોઇતો.પ્રખર તાપમાં જે રીતે નાના બાળકોને લઇને માતાઅો પણ રેલીમાં જોડાઇ હતી અને સભામાં છેલ્લે સુધી બેસી રહી હતી તે આદોલનકારી સાંગનારા ગામનો મીજાજ દર્શાવતું હતું. ગ્રામજનોઓ  શુક્રવારે પાંખી પાળી હતી અને આખું ગામ આદોલનના સ્થળે ભેગું થયું હતું. બપોરે પણ ત્યાં જ વન ભોજન લીધું હતું. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા સમયે ગૂમ થઇ જતા હોવાનું જણાવી ચૂંટણી વખતે સબક શીખવાડવા જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, કલેક્ટર જો રાતોરાત હુકમ કરી શકતા હોય તો ખોટી રીતે પવનચક્કીની મંજૂરીનો હુકમ પણ રાતોરાત રદ કેમ ન કરી શકે તેવો સવાલ કરી અા સરકારમાં માત્રને માત્ર મોટી કંપનીઓનો જ વિકાસ થઇ રહ્યો છે તેવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.કચ્છના અનેક ગામોમાં સાંગનારા જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે પણ અહીં જેવી જાગૃતિ બધે ન હોવાનું જણાવી સભામાં હાજર પર્યાવરણવાદીઓએ સાંગનારાઓ  જે આંદોલનની રાહ ચીંધી છે તેને આગામી દિવસોમાં કચ્છના અનેક ગામો અનુસરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર