હવામાન વિભાગે કરી બે દિવસની કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા વધી

બુધવાર, 4 ડિસેમ્બર 2019 (11:12 IST)
ધીમે ધીમે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે, તેમ છતાં અત્યારે પણ દિવસ દરમિયાન ત્રણ ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે જ્યાં વાતાવરણમાં ઠંડીની અસર વર્તાઇ રહી છે, તો બપોર થતા જ ગરમી પણ લાગે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે 4-5 ડિસેમ્બરનાં રોજ ગુજરાતનાં કેટલાંક વિસ્તારમાં ઠંડા પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયા છે. જેના કારણે દક્ષિણ પૂર્વમાં સર્જાયેલાં લો પ્રેશરની અસર ગુજરાતમાં અનુભવાશે. ખાસ કરીને સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં કેટલાક વિસ્તારોમાં 4 અને 5 ડિસેમ્બરનાં રોજ કમોસમી ઝાપટા પડી શકે છે.
 
આ ઉપરાંત અમદાવાદ શહેરનાં તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. વાતાવરણની સરખામણીમાં રવિવારનાં રોજ લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો છે. રવિ પાકની સિઝનમાં વધુ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો વધુ ચિતિંત બન્યા છે.
 
આજે ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ પડી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોએ કરેલા રવિ પાક અને રવી વાવેતર પર ફરીથી આકાશી આફત મંડરાઈ રહી છે. ચોમાસામાં અતિવૃષ્ટિએ ખેડૂતોને બેહાલ કર્યા પછી ત્રણ વખત માવઠું થયું. બે વખત વાવાઝોડાં આવ્યાં અને હવે વધુ એક વખત માવઠાની આગાહી. આ વરસ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ વર્ષ  હોય તેવા સંકેત મળી રહ્યા છે.
 
અરબી સમુદ્રમાં દેખાઈ લો પ્રેશરની અસરને પગલે દ્વારકાના ઓખા બંદર તથા અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પીપાવાવ પોર્ટ પર પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનતા માછીમારોને સાવચેત કરાયા છે. 7 તારીખ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. હાલ અમરેલી જિલ્લાની 700 બોટ દરિયામાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર