હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી

શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:32 IST)
મહા વાવાઝોડુ ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ પહેલા અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આ પહેલા ગુજરાતના અનેક વિસ્તારોનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્રણ કલાક સુધી પડેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે વલસાડમાં આજે વહેલી સવારે વલસાડમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ત્યાર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત મોડીરાતે દાહોદમાં જોરદાર વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું.

મહા વાવાઝોડાની અસરને પગલે દિવમાં સતત વરસાદ પડી રહ્યો છે. સાવચેતીને પગલે દિવ દરિયા કાંઠે NDRFની 5 ટીમ તૈનાત કરાઈ છે જ્યારે પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર