આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મેધરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં પોણા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવા 1 ફુટ બાકી છે. પાણીનો પ્રવાહ આમને આમ શરૂ રહે તો સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થઇ જશે.
જેને લઇને નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ અપાયું છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાની નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ખેતીને નુકસાન થયાનું અનુમાન છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ભારે વરસાદના પગલે માંગરોળમાં નોરી નદીના પુલમાં ગાબડું પડ્યું છે, ધસમસતા પાણીના પ્રવાહમાં ગાબડુ પડતાં શેખપુરા, વીરડી, લંબોરા અને ચોટલી સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે. જેને લઇને ધારાસભ્ય કરગઠિયાએ સ્થળ મુલાકાત લઇ અધિનારીને તાત્કાલીક કામ કરવા સૂચના આપી છે.દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદના પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો કલ્યાણપુરની પણ આજ સ્થિતિ છે. ભારે વરસાદના પગલે પાણીના વહેણમાં ચાર બળદ ફસાઇ ગયા હતા. જેને પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યૂ કર્યું હતું.