અમદાવાદની ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ જાગી, સમગ્ર શહેરમાં વાહન ચેકિંગ

શુક્રવાર, 21 જુલાઈ 2023 (16:51 IST)
Surat police
સુરત શહેરમા પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું
 
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ હવે સુરત પોલીસ જાગી છે. સમગ્ર સુરત શહેરમાં પોલીસે વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખી ગત રાત્રે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેને લઇને શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરના વિવિધ રસ્તાઓ પર તેમજ ચોકીઓ નજીક પોલીસના ચેકિંગને જોઈને શહેરભરમાં સોશિયલ મીડિયા પર યુવા પેઢીઓના ગ્રુપોમાં લાઇસન્સ વગર જરૂરી દસ્તાવેજ વગર વાહન લઈને રસ્તા પર જવું નહીં નહિતર પોલીસ પકડશે એવા મેસેજો ફરતા થઈ ગયા હતા. 
 
સુરત પોલીસની કામગીરીથી વાહન ચાલકો ફફડ્યા
ગઈકાલે શહેરભરમાં ચેકિંગ સધન કરવામાં આવ્યું હતું જેને લઈને કેટલીક જગ્યા પર વાહન ચાલકોને મેમો પણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે. કેટલીક જગ્યા પર પોલીસે વાહનો જમા કર્યા છે તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પણ કેસ કરવામાં આવ્યા છે. ગાડીમાંથી પોલીસે હથિયાર પણ પકડયા છે.  આ સંદર્ભે અચૂક સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી. ગત રાતે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં 207 મુજબની કામગીરી 12 કેસ બ્લેક ફિલ્મ 241 જેની સામે દંડ ભરવામાં આવ્યો છે 1, 20,500,  જ્યારે નંબર પ્લેટના 627 કેસ કર્યા તેની સામે દંડ 1,97000,  તેમજ ફેન્સી નંબર પ્લેટના 224 કેસમાં 71100 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સત્તાવાર આંકડો હજુ મળ્યો નથી. 
 
વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું
સુરત શહેરમાં દારૂના નશામાં કે મોજશોખ માટે લટાર મારવા નીકળી પડતા નબીરાઓ કોઈ અકસ્માતની ઘટનાને અંજામ ના આપે તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ હતી. તે ઉપરાંત નંબર વિના કે ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુના કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપોરીઓને ઉગતા જ ડામી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન શહેરના મહત્વના દરેક ચાર રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો.શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ પોલીસ કર્મચારી સુધીનો કાફલો મોડી રાત સુધી રસ્તા ઉપર જોવા મળ્યો હતો. શહેરના ભાગ્ય જ કોઈ રસ્તા એવા હતા જેની પર પોલીસ દેખાતી ન હતી. પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર