ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ, એક અઠવાડિયામાં ચાર્જશીટ કરાશેઃ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુરુવાર, 20 જુલાઈ 2023 (15:42 IST)
ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ- ગૃહ રાજ્યમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે. સીએમની સૂચના પ્રમાણે તમામ કાર્યવાહી કરાશે. આ ખૂબ દુઃખદ ઘટના છે. આ 17 વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો. આરોપી તથ્ય પટેલની હાલ સારવાર ચાલી રહી છે. કારચાલક તથ્ય પટેલના પિતા પર પણ કેસ થશે. એક અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરાશે.અમદાવાદમાં થયેલા અકસ્માતના પગલે ગૃહ રાજ્યમંત્રીએ આજે તેમના તમામ કાર્યકમ રદ કર્યા છે. હર્ષ સંઘવીએ અકસ્માતમાં ભોગ બનનારા લોકો સામે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.સંઘવીએ કહ્યું કે આ કેસને અતિગંભીર કેસ તરીકે અમે લઇ રહ્યા છીએ. "બેઉ બાપ - બેટાએ સામાન્ય પરિવારોના ઘરની ખુશી છીનવી છે' અને સાથે પિતા ઘટનાસ્થળે જઇને દાદાગીરી કરે છે. બંને બાપ - બેટાને કાયદાનું ભાન થાય તે જરૂરી છે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે મને દુઃખ છે કે આ વ્યક્તિ પાસે વકીલની ડીગ્રી છે. દરેક માતાપિતાને વિનંતી છે કે બાળકોને રસ્તાનું ભાન કરાવો. બાળકોની મોજમસ્તી માટે લોકોના જીવ ન લઇ શકાય. 
 
આરોપી તથ્ય પટેલના પિતાએ શું કહ્યું
અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું કે જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો. આ ઉપરાંત જેગુઆર કાર ભાગીદાર નામે નોંધાયેલી છે તેમ જણાવ્યુ હતું.
 
તથ્ય પટેલના વકીલે શું કહ્યું?
અકસ્માતની ઘટના અંગે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે અકસ્માતની ઘટના અજાણતા થતી ઘટના છે. આ ઘટનાસ્થળે પહેલા ટ્રક અને થારનો અકસ્માત થયો હતો તેને હટાવવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બેરિયર પણ મૂકાયા ન હતા. વકિલે વધુમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અકસ્માત કરવાના ઈરાદે ઘરેથી નથી નીકળતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કારની સ્પીડ 160ની નહતી કે કાર ઓવરસ્પીડ પણ ન હતી. અકસ્માત જ્યા થયો હતો ત્યા લોકોનું ટોળું ભેગું થયુ હતું. અમે કાયદાનું પાલન કરીશું અને સાચું હશે સામે આવી જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર