ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત, આઠના નામ સામે આવ્યા એકની ઓળખ નથી થઈ

ગુરુવાર, 20 જુલાઈ 2023 (13:51 IST)
પીજીમાં રહેતા ચાર યુવાન બ્રિજ ઉપર થયેલો અકસ્માત જોવા ગયા અને ખુદ અકસ્માતનો ભોગ બન્યા
 
અમદાવાદઃ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગત મોડી રાત્રે એક ડમ્પર પાછળ થાર ગાડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા માટે ઉભા રહેલા લોકોને બેફામ ગતિએ ચલાવી રહેલા જગુઆર કારના ચાલકે અડફેટે લીધા હતાં. જેમાં 9 લોકોના મોત થયાં છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ, અસારવા સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોઈએ પુત્ર તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. તે ઉપરાંત ત્યાં ફરજ પર રહેલા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પણ મોતને ભેટ્યાં છે. આ મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો પણ સામેલ છે. હોસ્પિટલમાં મૃતકોના સ્વજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ છે. 
 
દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે
આ અકસ્માતને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા હતાં. હર્ષ  સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યાં છે. દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. એક જ અઠવાડિયામાં કરવામાં આવશે ચાર્જશીટ અમે આને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીએ છીએ. બીજી તરફ કેટલાક યુવકો પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરવા માટે અમદાવાદમાં આવ્યા હતા અને તેઓ આ ગંભીર અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવવો પડ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યાથી મૃતકને જોવા માટે તેમનાં સ્વજનો પહોંચ્યા હતાં. એક બાદ એક મૃતદેહ જોઈ અને પરિવારજનો રડી પડ્યાં હતાં.
 
9 મૃતકોમાંથી ચાર મૃતકો પીજીમાં રહેતા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવાનોમાં ત્રણથી ચાર યુવાન પીજીમાં રહેતા હતા, તેઓ બ્રિજ ઉપર થયેલો અકસ્માત જોવા ગયા અને ખુદ અકસ્માતનો ભોગ બન્યા હતાં. એક વાત એવી પણ સામે આવી છે કે, એક પોલીસ કોન્સ્ટેબલ વસ્ત્રાપુર પાસે તેના મિત્ર સાથે વાતો કરતો હતો અને થોડી જ વારમાં તેના મિત્ર પર ફોન આવ્યો કે, હાઈવે પર એક્સિડન્ટ થયો છે ત્યારે તે વાત જાણ્યા વગર એ ત્યાં પહોંચ્યો તો થોડીવાર બાદ ખબર પડી કે, આ અકસ્માતની અંદર તેના ભાઈનું મોત થયું છે.  
 
આ લોકોના અકસ્માતમાં મૃત્યુ થયાં 
ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ)
અરમાન અનિલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર