સુરતના આ પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ દાખલ કરાઈ
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (13:24 IST)
સુરત જિલ્લાના પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાજણની એક જમીન વિવાદમાં પાટીદાર અગ્રણીએ આપઘાત કરી લીધો હતો. પાટીદાર અગ્રણીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં પોલીસ સહિત વિવિધ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણની જમીન વિવાદમાં ગતરોજ ક્વોરી માલિક દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.તેમની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો.મળતી માહિતી પ્રમાણે દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ સુરતના રાંદેર ખાતે આવેલી સુર્યપૂર સોસાયટીમાં રહેતા હતા. તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે નોકરી કરી આપવાનું કહ્યું હતું. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું. જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના દીકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તેઓ તેમના પિતા સાથે પોલીસ કમિશનરને અરજી આપવા જવાના હતા. જોકે, પિતાએ એ પહેલા જ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી.