લોકડાઉનની ઈફેક્ટમાં ઘરેલુ હિંસાના કેસો બમણા થયા

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (16:09 IST)
ગત વર્ષની સરખામણીએ એપ્રિલ-ઓગષ્ટ ગાળામાં ડોમેસ્ટીક વાયોલન્સ- ઘરેલુ હિંસાના કેસો બમણા થયા છે. કોવિડ 19 મહામારી પછી લોકડાઉનના કારણે લોકોની હરફર નિયંત્રીત થઈ જતાં આવા કેસોમાં વધારો થયો હોવાનું પોલીસ અને સમાજશાસ્ત્રીઓ માને છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે આ ગાળામાં 120 કેસો સામે આ વર્ષે 250 કેસો નોંધાયા છે. જાણકારો કહે છે કે પતિ-પત્ની વચ્ચે ચડભડ અને દહેજ માટેની માંગના કેસોમાં વધારાથી ઘરેલુ હિંસાના બનાવો વધ્યા છે. ઘરના મુખ્ય કમાણી કરનારાએ નોકરી ગુમાવતાં, અથવા પગારમાં કાપ મુકાતા અને તણાવના કારણે નાના મોટા પ્રશ્ર્ને ટપાટપી પણ અન્ય કારણો છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા મુજબ લોકડાઉન પછી તણાવ વધતાં ડોમેસ્ટીક વાયોલન્સમાં વધારો થયો છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે પરિવાર લાંબો સમય સાથે રહે તો નાતો મજબૂત થાય છે, પણ હાલની કટોકટીએ આપણા સામાજીક અને આર્થિક જીવનને અસર પહોંચાડી છે. જાનીએ જણાવ્યું હતું કે ઘરે રહેવાથી માણસનો અસલી સ્વભાવ સામે આવે છે. મધ્યમ વર્ગે તેમની બચત ગુમાવી છે અને કારણે પતિ-પત્ની વચ્ચે નાણાંસંબંધી ઝઘડાઓ શરુ થયા હતા. નોકરી ગુમાવાથી અથવા આવક ઘટતાં કેટલાંક સ્ટ્રેસમાં હતા. આપણા સમાજમાં પતિ-પત્ની અથવા બાળકો પર દાઝ કાઢે છે. આપણા સમાજમાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ સમાજમાં તણાવ હળવો કરે તેવી વ્યવસ્થા નથી. ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી કંટ્રોલરૂમમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે છે. તેમના મત મુજબ કોવિડ મહામારી દરમિયાન સ્ટ્રેસના કારણે ઘરેલુ હિંસામાં વધારા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવા યોગ્ય અભ્યાસની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર