ચૂંટણી ટાણે આંદોલન પર ઉતરેલા કર્મચારીઓ અને સરકાર બંનેને રાહતઃ પગાર પંચ-ભથ્થા સહિતની 15 માંગણીઓ સ્વીકારાઈ

શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (12:58 IST)
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણયની વિગતવાર માહિતી આપી છે. જેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે એક પછી એક આંદોલનો ગાંધીનગરમાં થઈ રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા.

કાલે (શનિવાર) 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા, તે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શૈક્ષિક મહાસંઘના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આવતીકાલથી થનારા આંદોલનનો અંત આવી ગયો છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેકના પ્રશ્નો સાંભળવા માટે કમિટી બનાવી હતી. ત્યારબાદ તબક્કાવાર બેઠકો થઈ હતી. તમામ કર્મચારીઓ સરકારના પરિવારનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સંવાદથી બધા પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કર્યો છે. તમામ કર્મચારી મંડળે અમારી અપીલ સ્વીકારી છે. જનતા હેરાન ના થાય તે માટે આંદોલનનો અંત લાવવા અમે જણાવ્યું હતું.જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર જૂની પેન્શન યોજના અંગે કેન્દ્રના ધોરણે ઠરાવને સ્વીકારશે. CPFમાં 10ના બદલે 14 ટકા કરવા સરકાર માની ગઈ છે. 25-30 વર્ષથી વણઉકેલાયા પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા પણ અપાશે. તેમણે તમામ કર્મચારીઓને સોમવારથી કામે લાગી જવા જણાવ્યું હતું. 2008નો કેન્દ્રનો કુટુંબ પેન્શનનો નિર્ણય પણ રાજ્ય સરકારે સ્વીકાર્યો છે. દિગ્વિજયસિંહ જાડેજાએ આ અંગે નિવેદનમાં જણાવ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. 2005 પહેલા નોકરીમાં લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમવારથી તમામ કર્મચારીઓ કામે લાગી જાય. કામ પર પરત ફરશે તો જ આ નિર્ણયો નો લાભ મળશે. જે કામ પર પરત નહીં ફરે તેને લાભ નહીં મળે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર