સુરત-અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેકટનું PM મોદી કરશે વર્ચુઅલ ખાતમુહૂર્ત

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (09:49 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૯.૩૦ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટ અને અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2નો શિલાન્યાસ કરશે. આ વેળાએ સુરત ખાતેના ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.
 
ડાયમંડ સીટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂા.૧૨૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-૧ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી. વિસ્તારમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના ૬.૪૭ કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી ૧૧.૬ કિ.મી. માટે રૂા.૭૭૯ કરોડનું ટેન્ડર મંજુર થયું છે જયરે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી ૩.૫૫ કિ.મી. સુધી રૂા.૧૦૭૩ કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી ૩.૪૬ કિ.મી. સુધી રૂા.૯૪૧ કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.
 
તો આ તરફ  અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે. ફેઝ-2 પ્રોજેક્ટ અમદાવાદને ગાંધીનગર સાથે જોડશે. અમદાવાદ મેટ્રોલ રેલ પ્રોજેક્ટના બાકી રહેતા 33.5 કિલોમીટરની કામગીરી 15 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ફેઝ-2 કોરિડોર એકની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સાથે જોડવામાં આવે તેવી તેવી જોગવાઈ રાખેલ છે.
 
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં 20 એલિવેટેડ સ્ટેશનો છે. GNLUથી ગિફ્ટ સિટી સુધીની બે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-2ની લંબાઈ 5.4 કિલોમીટર છે. જેમાં GNLU પાસે મેટ્રો ટ્રેન ઈંટરચેંજ સુવિધા અને સાબરમતી નદી પર પુલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર