તહેવારોની સીઝનમાં જ વધુ એક માર, સીંગતેલના ભાવ માં 50 રૂપિયાનો વધારો

ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (17:39 IST)
પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસના ભાવનો વધારો ઓછો હોય તેમ હવે તહેવારોની ભરસીઝનમાં સીંગતેલના ભાવમાં વધારો થયો છે. તહેવારો પૂર્વે મોંઘવારી સામાન્ય અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે. રાજકોટથી મળતા અહેવાલો મુજબ તહેવારો સમયે જ સિંગતેલના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.વધતા જતા ભાવ પાછળ મગફળીની નહિવત આવક કારણભૂત ગણવામાં આવી રહી છે.


સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા છે. ત્યારે ગણપતિ મહોત્સવ, નવરાત્રિ સહિતના તહેવારોને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે.બીજી તરફ મોંઘવારી માઝા મૂકી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. સીંગતેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, વધતા જતા ભાવ પાછળ મગફળીની નહિવત આવક તેમજ અન્ય તેલના ભાવ સીંગતેલની લગોલગ પહોંચતા લોકો સીંગતેલની ખરીદી તરફ વળ્યા છે. એક મહિનામાં 100થી 150 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતા છે.
 
બીજીતરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાવ આવક નથી. જેને લઈને મગફળીનાં ભાવમાં વધારો થયો છે. અને આ બંને બાબતોની સીધી અસર હાલ સીંગતેલનાં ભાવમાં જોવા મળતા એક સપ્તાહમાં જ ભાવમાં 40-50 રૂપિયાનો વધારો થયો છે. સાથે સાથે દુષ્કાળની પરિસ્થિતિ હોવાને કારણે મગફળી વેચવા કોઈ તૈયાર નથી.ગુજરાતમાં જોવા જઇએ તો કોરોનાની બીજી લહેર બાદ સામાન્ય રીતે પણ સિંગતેલ સહિતના તમામ ખાધતેલમાં મોટો ભાવ વધારો નોંધાયો છે. જો કે  કેન્દ્ર સરકારની દખલથી થોડા સમય  માટે તેલના ભાવ નિયંત્રણમાં રહ્યા હતા. પરંતુ હવે તહેવારો આવતા તેલની માંગ વધવાની છે તેવા સમયે ફરી એક વાર  ખાધતેલના ભાવના  વધારો જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર