સંક્રમિત વિસ્તારોમાં એગ્રેસિવ ટેસ્ટિંગ હાથ ધરાશે: સહયોગ નહીં આપનાર સામે કાયદેસર પગલાં લેવાશે
શનિવાર, 18 એપ્રિલ 2020 (13:43 IST)
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે, તે જોતાં આવા સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડક અમલ કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સંક્રમિત લોકોને ઝડપથી ઓળખી કાઢી જરૂરી આરોગ્યલક્ષી પગલાં લઈ શકાય તે માટે સંક્રમણ વધુ જોવા મળ્યું છે, તેવા વિસ્તારોમાં એગ્રેસિવ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ માટે પ્રજાકીય સહયોગ અત્યંત અનિવાર્ય છે. જે નાગરિકો સહયોગ નહીં આપે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
લોકડાઉનના ચુસ્ત અમલની વિગતો મીડિયા સમક્ષ આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સંક્રમિત વિસ્તારોમા હજી પણ લોકો ફરી રહ્યા છે, તેને ધ્યાને લઈને અમદાવાદ અને સુરત શહેરમાં કરફ્યૂ લાગુ કરી તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીના 2.5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, ત્યારે ત્યાં પણ આજે મધ્યરાત્રિના 12 વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે સ્થાનિક પોલીસ સહિત રાજ્ય અનામત દળની વધારાની ત્રણ કુમક પણ ફાળવી દેવામાં આવી છે. સાથોસાથ આજી ડેમનો નદીના પટનો વિસ્તાર પણ આવેલ હોઈ, એ માટે 8 ઘોડેસવારની ટીમ પણ સતત પેટ્રોલિંગ ચાંપતી નજર રાખશે.
અમદાવાદ અને સુરત શહેરમાં કરફ્યૂનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે, પરંતુ મહિલાઓ માટે બપોરે 1-00 થી 4-00 દરમિયાન કરફ્યૂમાં છૂટછાટના સમયગાળા દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં મહિલાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. આવા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કરફ્યૂ ભંગના 74 ગુના નોંધીને 82 લોકોની અટકાયત, જ્યારે સુરતમાં 26 ગુના નોંધીને 26ની અટકાયત કરવામાં આવી છે. કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન, CCTV દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના દ્વારા સુરત શહેરમાં આ રીતે જાહેરનામા ભંગના ચાર ગુના નોંધાયા છે.
લૉકડાઉનના ભંગ સંદર્ભે જે વાહનો ડીટેઈન કરાયા હતા તેવા ગઈકાલે 9,450 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 41,741 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. જો આવા વાહનો ફરીથી પકડાશે તો પણ તેને ડિટેઇન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે લૉકડાઉનના અમલ દરમિયાન વાહન વ્યવહાર બંધ છે તેમ છતાં વાહનોમાં મુસાફરોની અવરજવર કરતા કિસ્સાઓ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
જેમાં ગઈકાલે ગોંડલ પોલીસ સ્ટેશનમાં એક આઈસરમાં 47 વ્યક્તિઓ પ્રતિ વ્યક્તિ રૂ.3,000નું ભાડું નક્કી કરીને મધ્યપ્રદેશ જતા હતા તેમાં ડ્રાઇવર, વાહન માલિક સહિત તમામ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વાહન જપ્ત કરવામાં આવ્યું છે. એ જ રીતે પાટણ જિલ્લામાં પણ એક ખાનગી એમ્બ્યુલન્સમાં અમદાવાદથી લોકોને લાવવામાં આવ્યા હતા એ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે.
લૉકડાઉનના ભંગ સંદર્ભે શહેરી વિસ્તારોમાં ખાનગી સોસાયટીઓના CCTV ફૂટેજ દ્વારા પણ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે વડોદરા શહેરમાં 44 ગુના દાખલ કરાયા છે. જેમાં 69 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ જ રીતે ડ્રોન, સીસીટીવી તથા ANPR દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
સૂરા જમાત સંદર્ભે પણ લૉકડાઉનના ભંગ અંગે આજે વધુ બે ગુના નોંધાયા છે. જેમાં પાટણ અને વડોદરા ખાતે એક-એક ગુનો નોંધાયો છે. આજ સુધી આવા આઠ ગુના નોંધાયા છે. જેમાં ગાંધીનગર ખાતે ત્રણ, મહેસાણા, ભાવનગર, વડોદરા અને પાટણ ખાતે એક-એક ગુનો નોંધાયો છે.
તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડ્રોન દ્વારા 338 ગુના નોંધવામાં આવ્યા છે જયારે CCTVના માધ્યમથી ૫૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 25 ગુના નોંધાયા છે. અમદાવાદમાં આજ સુધી કરફ્યૂ ભંગના 74 ગુનાઓમાં 82 લોકોની જયારે સુરતમાં આજ સુધી કરફયુ ભંગના 26 ગુનામાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ગઇકાલે જાહેરનામા ભંગના 2648 ગુના, કવૉરન્ટાઈન ભંગના 1052 તેમજ અન્ય 483 એમ કુલ 4183 ગુના હેઠળ કુલ 5678 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2943 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 41741 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે.