મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના નાના-મોટા-ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લાઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં ઉદ્યોગોમાં કામ કરતા આવા શ્રમજીવીઓને કારીગરોને અપિલ કરી છે કે, હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે.
મુખ્યમંત્રીએ આવા શ્રમજીવીઓ-કારીગરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, લોકડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમણે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યાં કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, આવા કામોમાં સેવા સંસ્થાઓ અને રાજ્ય સરકાર શક્ય મદદરૂપ થશે.