રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ-૪૩ કેસ પોઝિટિવ નોંધાયા : 3ના મોત

ગુરુવાર, 26 માર્ચ 2020 (15:31 IST)
રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૪૩ કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ-૩ નાગરિકોના મોત થયાં છે. આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. આજે સવારે મીડિયાને વિગતો આપતા ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે સવારે ટેલિફોનિક વાતચીત કરી નોવેલ કોરોના અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી અને મુખ્યમંત્રી આ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. 
 
મુખ્યમંત્રીએ લોકડાઉન દરમિયાન રાજ્યના નાગરિકોને ઘરમાં રહેલા વયસ્કોનું ખાસ ધ્યાન રાખવા તથા ઘરમાં પણ તેમનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરી છે.  
રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૪, વડોદરામાં ૦૮, ગાંધીનગરમાં ૦૭, ભાવનગરમાં ૦૧ અને કચ્છમાં ૦૧ મળી કુલ-૪૩ કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો ૧૦૪ અને ૧૦૮ની આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કરાયો છે. 
 
કોરોના વાયરસની અપડેટેડ વિગતો માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. જેના ઉપર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે.  
 
તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે જે ત્રણ નિધન થયા છે એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર