સોશિયલ મીડિયામાં એકબીજા સામે થયેલી કોમેન્ટોમાંથી મામલો બીચકતાં ધોળકા ખાતે મોડી સાંજે દલિતો અને દરબારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ધોળકાના વાલથેરા ગામમાંથી રાજપૂત સમાજને દલિતો દ્વારા સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને ઉશ્કેરવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી મંગળવારે મોડી સાંજે 7-30 વાગ્યે દલિતોનું ટોળું ધોળકામાં રાજપૂતોની સોસાયટીમાં હથિયારો સાથે ધસી આવ્યું હતું. તેમજ સોસાયટીના મકાનો અને રહીશો પર હુમલો કર્યો હતો. જેમાં એકને ઈજા થતા દવાખાને દાખલ કરાયાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ બંને જૂથોની સામસામે ફરિયાદો લઇને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દલિતો દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના નામની પાછળ સિંહ લખવા બાબતે છેલ્લા કેટલાંક સમયથી કોમેન્ટો કરવામાં આવતી હતી. આની સામે રાજપૂત સમાજ દ્વારા વળતી કોમેન્ટો કરાઇ હતી. જે બાબતને લઇને રાજપૂતો અને દલિતો વચ્ચે ગરમાગરમી ઊભી થઈ હતી.