રામ રાજ્યમાં સીતા જેવી પવિત્ર સ્ત્રીને પણ અગ્નીપરિક્ષા આપવી પડી હતી. આજે યુગ બદલાયો છે અને લોકો જાગૃત બન્યાં છે પણ હજીએ અનેક સીતાઓ અગ્નીપરિક્ષાઓ આપી રહી છે. સરકાર દ્વારા બેટી બચાઓ, મહિલા સુરક્ષા, મોડી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત ક્યાંય જઈ શકે વગેરે વગેરે જેવા મોટા-મોટા દાવા કરાઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં ગામડાઓ તો ઠીક શહેરોમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. રાજકોટમાં ભગવતીપરામાં ૨હેતી યુવતી સાથે પાડોશમાં ૨હેતા પરિણીત શખ્સે તેની છેડતી કરી હતી. આ શખ્સને ઠપકો આપવો કે તેની સામે ફરિયાદ નોંધાવવાના બદલે તેની પત્ની સહિતના પરિવારે યુવતીની પવિત્રતા ચકાસવા માટે તેના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા. બાદમાં પોલીસને માહિતી મળતાં કાર્યવાહી હાથ ધરી હતી અને છેડતી કરનાર આરોપીને દબોચી લીધો હતો, પરંતુ તેની પત્ની ફરાર થઈ ગઈ હતી.