લગ્નોની સિઝનમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સ સામાન્ય માણસો માટે નહીં પરંતુ મ્યુનિ. કાઉન્સિલરો અને ધારાસભ્યોને ફાળવી દેવાના વિવાદમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. શાસ્ત્રીએ રાજ્ય સરકાર અને AMCને નોટિસ ફટકારી છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી મૌખિક ટકોર પણ કરી હતી કે,‘કઇ રીતે કાઉન્સિલરો એડવાન્સમાં પાર્ટી પ્લોટ્સ બુક કરાવી શકે.' આ કેસની વધુ સુનાવણી ૧૧મી જૂનના રોજ મુકરર કરવાની સાથે આદેશમાં હાઇકોર્ટે એમ પણ નોંધ્યું છે કે જો અરજદારને આ સમયગાળામાં કોઇ અરજન્સી જણાય તો તે હાઇકોર્ટ સમક્ષ આવી શકે છે.
AMCની હસ્તક આવતાં પાર્ટી પ્લોટ્સ સહિતના સ્થળોનું કાઉન્સિલરો અને ધારાસભ્યો દ્વારા અગાઉથી બુક કરાવીને પ્રજાના હક ઉપર તરાપ મારવાનો મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. AMCના પાર્ટી પ્લોટ્સ, કોમ્યુનિટી હોલ્સ, ઓડિટોરિયમ્સ અને ઓપન એર થિયેટર્સ વર્ષ 2018 અને '19 માટે 65 કાઉન્સિલરો અને આઠ ધારાસભ્યોએ એડવાન્સમાં બુક કરાવી લીધા હોવાનું અરજદારને ધ્યાને આવતાં તેમણે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. સત્તાધીશો દ્વારા આ સત્તાનો દુરુપયોગ હોવાથી તેને ગેરકાયદે અને બંધારણના અનુચ્છેદ 14નો ભંગ થયાનું ઠેરવવામાં આવે એવી દાદ રિટમાં માગવામાં આવી છે. અરજદાર કે.આર. કોષ્ટિએ પાર્ટી ઇન પર્સન તરીકે જાહેરહિતની અરજી કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,‘સામાન્ય લોકો લગ્નો અને અન્ય સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે એ માટે AMC દ્વારા શહેરમાં 28 કોમ્યુનિટી હોલ્સ, 17 પાર્ટી પ્લોટ્સ, પાંચ સભાખંડો અને ત્રણ પિકનીક હાઉસ બનાવવામાં આવ્યા છે. જેનું ભાડું સામાન્ય લોકોના હિત માટે નજીવું રાખવામાં આવે છે. વર્ષ 2008 સુધી આ તમામ સ્થળોનું બુકિંગ મેન્યુઅલી કરવાની પ્રથા હતી. પરંતુ વર્ષ 2009થી તેને વધુ પારદર્શક બનાવવા માટે બુકિંગની સમગ્ર સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં આ સંદર્ભે ઠરાવ કરીને આ નવી પ્રક્રિયા અમલમાં મૂકાઇ હતી.' વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘2009થી સતત આ પ્રક્રિયાનો અમલ કરીને બુકિંગ કરવામાં આવે છે. જો કે, તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે, 65 કાઉન્સિલરો અને આઠ ધારાસભ્યો દ્વારા કોર્પોરેશન હસ્તકના તમામ પ્લોટ્સનું બુકિંગ ‘સ્પેશિયલ બુકિંગ' હેઠળ કરી લેવામાં આવ્યું છે અને એ માટેનો ઠરાવ પણ AMCની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બુકિંગ માટે કાયદેસરની કોઇ પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો ના હોવાથી તે સીધેસીધો સત્તાનો દુરુપયોગ છે અને કાયદા તથા બંધારણથી વિપરીતની વર્તણૂક છે. હવે સામાન્ય પ્રજાના કોઇ લગ્ન પ્રસંગ કે કાર્યક્રમની ઉજવણી માટે આ પ્લોટ્સ ઉપલબ્ધ નથી. નાગરિકોનો શું વાંક છે.'.