Rajkot News - રાજકોટ મ્યુનિસિપાલિટિમાં મેયર અને કમિશ્નર પર લોલીપોપ ફેંકાઈ

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (15:52 IST)
રાજકોટ મહાનગરપાલિકાનું 1769 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવા માટે આજે જનરલ બોર્ડની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ 11 દરખાસ્તો મૂકવામાં આવી હતી. પાણીવેરો યથાવત રાખવા સહિતની બજેટની દરખાસ્તો તેમજ કાર્પેટ એરિયાના દર નક્કી કરવા સહિત 11 દરખાસ્તો ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે વિપક્ષે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો મુદ્દો ઉછાળતાં જ  જનરલ બોર્ડ તોફાની બન્યું છે. તે ઉપરાંત સમગ્ર બજેટને વિપક્ષે લોલીપોપ સમાન ગણાવીને બોર્ડની સભામાં  મેયર અને કમિશન પર લોલીપોપ ફેંકી હતી.

દર વર્ષે બજેટમાં જે વાયદાઓ અને કાર્યો રજૂ કરવામાં આવે છે તેના 50 ટકા કાર્યો પણ પૂરા નથી થતા. કોર્પોરેશનનું 2017-18નું રિવાઇઝ્ડ બજેટ તથા 2018-19નું નવું બજેટ મંજૂર કરવા, કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિ હેઠળ વેરાના દર નક્કી કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, મિલકત વેરામાં વળતર યોજના, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, પાણી દર નિયત કરવા, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્સ નિયત કરવા, થિએટર ટેક્સ નિયત કરવા, વાહન કર નિયત કરવા, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2018-19નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવાની દરખાસ્ત આજે મળેલી બોર્ડ બેઠકમાં મૂકવામાં આવી છે. અગાઉની જેમ પ્રેક્ષક ગેલેરી આ બોર્ડ બેઠકમાં પણ બંધ રાખવાનું શાસકોએ નક્કી કર્યું છે. વિપક્ષ પાસે અન્ય કોઇ મુદ્દો ન હોય અરવિંદ રૈયાણીનો મુદ્દો ઉછાળ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર