ગુજરાતમા કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી વિજય રુપાણી સાથેની આ ટીમની બેઠક પૂર્વે ટીમના સભયોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી સંતોષ દર્શાવી, અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી. હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને, સમન્વય કરીને જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે, તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો.