તજજ્ઞોની કેન્દ્રીય ટીમના બે દિવસ ગુજરાતમાં ધામા, આજે મુખ્યમંત્રી સાથે યોજશે બેઠક

શુક્રવાર, 17 જુલાઈ 2020 (11:09 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 કોરોનાની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના તબીબો, આરોગ્ય કર્મીઓને નિષ્ણાત ડૉકટર્સ અને ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળતું રહે તે માટે કેન્દ્ર સરકારને વખતોવખત તજજ્ઞ ટીમ ગુજરાત મોકલવા કરેલા અનુરોધનો ભારત સરકારે ત્વરિત સાનૂકુળ પ્રતિસાદ આપ્યો છે. 
વિજય રૂપાણીના આ અનુરોધના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોવિડ-19 ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીની દેખરેખ, સમીક્ષા અને વધુ માર્ગદર્શન માટે ગુરૂવાર તા.૧૬મી જુલાઇથી શનિવાર તા.૧૭ જુલાઇ સવાર સુધી ચાર વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ સુરત અને અમદાવાદની મૂલાકાતે છે.
 
મુખ્યમંત્રીએ આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કરેલા અનુરોધને પગલે તાજેતરમાં મે મહિનામાં એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ.મનિષ સુનેજા અમદાવાદમાં કોરોના-કોવિડ-19 ની સ્થિતીમાં માર્ગદર્શન અને સમીક્ષા માટે આવ્યા હતા. ત્યારબાદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવકુમાર અગ્રવાલે પણ ગુજરાતની મૂલાકાત લીધી હતી.
 
હવે ફરી એકવાર, મુખ્યમંત્રીના કેન્દ્ર સરકારને અનુરોધના પરિણામે ગુરૂવાર તા. ૧૬ જુલાઇથી શનિવાર તા.૧૮ જુલાઇ સવાર સુધી અમદાવાદ અને સુરતની મૂલાકાતે ૪ વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની આ ટીમ ગુરૂવારે તા.૧૬મી જુલાઇએ સાંજે અમદાવાદથી હવાઇ માર્ગે સુરતની મુલાકાત લીધી હતી.
 
આ ટીમના સભ્યો શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મૂલાકાત બેઠક યોજશે.  કેન્દ્રીય ટીમના આ વરિષ્ઠ સભ્યો શનિવાર તા.૧૮ જુલાઇએ સવારે અમદાવાદથી પરત જશે. રાજ્યમાં કોરોના સંદર્ભની કામગીરી પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ આ ટીમ સાથે રહેવાના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર