રાજસ્થાન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો કેન્સલ કરી દેજો!!! રાજસ્થાન જતી બસો રોકી દેવાઇ, જાણો કેમ

ગુરુવાર, 30 જૂન 2022 (16:55 IST)
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર એક દરજીને તેની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓએ નિર્દયતાપૂર્વક દરજીનું ગળું કાપી દીધું હતું. જેને લઇને રાજસ્થાનમાં તણાવભરી સ્થિતિ છે. જેની અસરનો ભોગ પ્રવાસીઓ બની રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓ માટે ઉદેપુર મહત્વપૂર્ણ ફરવા લાયક સ્થળ છે. વીકએન્ડ અને અવાર નવાર ગુજરાતીઓ ઉદેપુરમાં ધામા નાખતા હોય છે. ત્યારે હાલ ઉદેપુર ફરવા ગયેલા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.    
 
ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા બાદ તકેદારીના ભાગરૂપે રાજસ્થાન જતી બસો અટકાવી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને શામળાથી ઉદેપુર જતી બસો અટકાવવામાં આવી રહી છે. જેના લીધે શ્રીનાથજીથી ઉદેપુર જનાર પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શામળાજી બસ સ્ટેશનમાં રાજસ્થાન જતી તથા નાથદ્વારા, ઉદેપુર તરફ જતી બસો શામળાજી રોકી દેવામાં આવી છે. ઉદેપુરમાં હાલ સાત જેટલા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં એક મહિના માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડના મુખ્ય આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારીના તાર અલસૂફા સાથે જોડાયેલા છે. આ સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના રિમોટ સ્લીપર સેલ તરીકે કામ કરે છે. ધરપકડ કરાયેલ આરોપી રિયાઝ 5 વર્ષથી અલસૂફા માટે ઉદયપુર અને તેની આજુબાજુના જિલ્લાઓમાં કામ કરતો હતો. પહેલા તે મુજીબ હેઠળ કામ કરતો હતો. રાજસ્થાન પોલીસના ડીજીપી બુધવારે જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ઉદયપુર હત્યાકાંડના આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાન ગયા હતા અને દાવત એ ઈસ્લામી સંગઠન સાથે તેમનો સંબંધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર