ઉનાળાની શરુઆતઃગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો

ગુરુવાર, 28 માર્ચ 2019 (12:23 IST)
ઉનાળાની મોસમના પ્રારંભે માર્ચ માસના ત્રીજા સપ્તાહમાં સૂર્યના તેજ કિરણોએ ધરતી ધગધગતી બનાવી છે. ગરમીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, વેરાવળ, પોરબંદર, કચ્છમાં કંડલા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં ગરીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ પ્રવર્તે છે. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ૩9.8 સેં.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ હતું. રાત્રિનું તાપમાન 22.2 સેં.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૩6 ટકા અને સાંજે સાડા પાંચ વાગે 21 ટકા નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તતું ગરમીનું મોજુ આજે પણ ચાલુ રહ્યું હતું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 સેં.ગ્રે. ડિગ્રીને પાર કરી ગયો હતો. સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ ગરમી 41.૩ સેં.ગ્રે. ડિગ્રી નોંધાઇ હતી. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે હજુ પણ બે દિવસ એટલે કે 29મી સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજુ ચાલુ રહેશે તેમજ ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું વધશે અને 40થી 42 ડિગ્રી જેટલું થાય તેવી સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ આવતીકાલે ગરમીનું પ્રમાણ 40 સેં.ગ્રે. રહે તેવી શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર