ભાજપનાં આંતરીક સર્વેમાં આવેલી વિગતો, ૯થી ૧૦ સાંસદ સામે સ્થાનિક લોકોમાં આક્રોશ

મંગળવાર, 19 જૂન 2018 (11:55 IST)
૨૦૧૭નાં ડીસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે ફટકો પડતા હવે ભાજપ ૨૦૧૯નાં માર્ચ-એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે ગંભીર અને ચિંતિત છે. સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ લોકસભાની ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ દ્વારા કરાયેલા આંતરીક સર્વેમાં ગુજરાત ભાજપનાં ૯થી ૧૦ સંસદ સભ્યો સામે સ્થાનિક લોકોમાં જે આક્રોશ જોવા મળે છે તેની વિગતો સહિતની ચર્ચા-વિચારણા કરાઇ હતી. આ બેઠક અંગે સૂત્રો જણાવે છે કે, ભાજપે સંગઠનનાં માધ્યમથી તાજેતરમાં જ દેશનાં તમામ સાંસદો અંગેનો એક સર્વે કરાવ્યો હતો. જેમાં ગુજરાત ભાજપનાં તમામ ૨૬ સાંસદોનો પણ સમાવેશ થાય છે જે સાંસદો સામે પ્રજામાં સૌથી વધુ રોષ છે તેમાં હિન્દી ફિલ્મનાં કલાકાર પરેશ રાવલ, કિરીટ સોલંકી, કચ્છના વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, ભારતીબહેન શિયાળ, રંજનબહેન ભટ્ટ, જયશ્રીબહેન પટેલ, દિપસિંહ રાઠોડ અને ભાજપના દેશનાં સૌથી સિનિયર-વયોવૃધ્ધ એવા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે. આવા સાંસદોને હવે ફરીથી ટીકિટ આપવી કે નહીં ? તેની સામે ભાજપ હાઇકમાન્ડમાં મુંઝવણ છે. ઉપરાંત અન્ય સીનિયર સાંસદો વિઠ્ઠલ રાદડીયા, પ્રભાતસિંહ ચૌહાણ અને લીલાધર વાઘેલાના સ્વાસ્થ્યને લઇને પણ ચર્ચાઓ છે. તેઓનું સામાજીક રીતે ખૂબ મહત્વ છે. આથી પક્ષ પોલીટીક્સમાં તેઓ સીધા એક્ટીવ નહીં હોવા છતાં પક્ષ તેમની અવગણના કરી શકતો નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં જેની સામે રોષ છે તેવા અને આ પીઢ સાંસદોના વિકલ્પની પણ તપાસ શરૃ થઇ ગઇ છે. સ્થાનિક લોકોનો સાંસદો પ્રત્યેનો આક્રોશ ઓછો થાય તે માટે તમામ સાંસદોને અત્યારથી જ પ્રજાનો સતત સંપર્ક કરવાનું કહી દેવાયું છે. સરકારની જૂદા જૂદા વર્ગો માટેની લાભદાયી યોજનાનો પ્રચાર કરવાની તાકીદ પણ કરી દેવાઇ છે. લોકોનાં નાના-મોટા કામો કરવાનું તેમજ તેમનાં વિસ્તારમાં સમસ્યાઓ ઉકેલવા કામે લાગી જવાની શિખામણ પણ અપાઇ છે. અત્રે નોંધનીય છે કે આગામી ૨૪ અને ૨૫મીએ એમ બે દિવસ સુધી અમદાવાદમાં યોજાનારી ચિંતન શિબિરમાં પણ સાંસદોના નબળા પરફોર્મન્સ અંગેની ચર્ચા વિચારણા કરાશે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે તમામ ૨૬ બેઠકોને જાળવી રાખવું એ ભાજપ હાઇકમાન્ડ માટે મોટો પડકાર બની રહેવાનો છે. માટે જ અત્યારથી ચૂંટણી જીતવા તૈયારી શરૃ કરી દીધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર