અમદાવાદની કુલ ૮ તાલુકા પંચાયતોનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ૧૯ જૂને યોજાશે
સોમવાર, 18 જૂન 2018 (17:08 IST)
અમદાવાદની કુલ ૮ તાલુકા પંચાયતોનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ૧૯ જૂને યોજાશે
અમદાવાદ જિલ્લાની ૮ તાલુકા પંચાયતોમાં બાકીના અઢી વર્ષની મુદત માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા.૧૯ જુનને મંગળવારે યોજાવાની છે. ત્યારે ગત ૧૩ જુને ધોળકા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાંં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તેનું પૂનરાવર્તન ન થાય તે માટે ભાજપ શાસિત વિરમગામ, દસક્રોઇ, સાણંદ અને દેત્રોજ તા.પં.માં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઇ છે. દેત્રોજ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી બંને પક્ષે ૮-૮ બેઠકો ગત સામાન્ય ચૂંટણીમાં આવી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખની નિયુક્તિ કરાઇ હતી. જેમાં નસીબના જોરે ભાજપે સત્તા મેળવી લીધી હતી. હાલમાં આ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટેના બંને પક્ષો દ્વારા ભરચક પ્રયાસો કરાઇ રહ્યા છે. એકબીજાના સભ્યોને તોડીને સત્તા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો તે સફળ ન થવાની સ્થિતિમાં દેત્રોજ તાલુકામાં પંચાયતમાં ટાઇ પડશે જેમાં ફરીથી અઢી વર્ષની મુદત માટે ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખની વરણી કરાશે. આવી જ કંઇક સ્થિતિ ધોલેરા તા.પં.માં પણ સર્જાઇ છે. જેની ૧૬ બેઠકોમાંથી ૮ બેઠકો ભાજપની ૫ બેઠકો કોંગ્રેસની અને ૩ અપક્ષની છે. ગત ટર્મમાં કોંગ્રેસ અપક્ષના સહારે સત્તા મેળવવા માટે સફળ રહ્યું હતું. આ વખતે ભારે રસાકસી ચાલી રહી છે. વિરમગામ, બાવળા, ધંધૂકા તા.પં.માં નજીવી સરસાઇ હોવાથી બંને પક્ષો દ્વારા સત્તા મેળવવા માટે એકબીજાના સભ્યોને તોડવાના પૂરજોરમાં પ્રયાસો શરૃ કરી દેવાયા છે. આવતીકાલે સોમવારે તા.૧૮ જુનને પ્રમુખ-ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરવામાં આવશે. ફોર્મ તાલુકા પંચાયતના સેક્રેટરીની કચેરીમાં જમા કરવા પડશે. ઉમેદવારી ફોર્મ સવારના ૧૧:૦૦ થી બપોરના ૨ વાગ્યા સુધી ભરી શકાશે.