ગુજરાતની આઠ વિધાનસભા સીટો પર આજે યોજાનારી પેટાચૂંટણી માટે પ્રચાર રવિવારે સાંજે પાંચ વાગે સમાપ્ત થઇ ગયો છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે 3જી નવેમ્બરે એટલે કે આજે મતદાન થશે. મતદાનને લઇને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તૈયારી અંગે માહિતી આપવામાં આવી હતી. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે. આ તમામ તે સીટ છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા બાદ ખાલી પડી હતી. આઠમાંથી પાંચ ઉમેદવારો ફરીથી મેદાનમાં છે, પરંતુ આ વખતે આ ઉમેદવારો ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉમેદવારો પ્રદ્યુમનસિંહ જાડેજા (અબાડાસા), બ્રિજેશ મેરજા (મોરબી), જેવી કાકડિયા (ધારી), અક્ષય પટેલ (કરજણ) અને જીતૂ ચૌધરી (કપરાડા) છે. અન્ય ત્રણ સીટો પર ભાજપના ઉમેદવાર પૂર્વમંત્રી આત્મારામ પરમાર (ગઢડા), કિરીટ રાણા (લિંબડી) અને વિજય પટેલ (ડાંગ) છે.
ઉમેદવાર 81, પરંતુ ભાજપ-કોંગ્રેસમાં સીધો મુકાબલો
કુલ 81 ઉમેદવાર મેદાનમાં છે. મુખ્ય મુકાબલો સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ગણવામાં આવી રહ્યો છે. સૌથી વધુ ઉમેદવાર લિંબડી અને સૌથી ઓછા ઉમેદવાર કપરાડામાં છે. કરજણ અને ડાંગમાં નવ-નવ, અબડાસામાં 10 અને ધારીમાં 11 તથા મોરબી અને ગઢડામાં 12-12 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.