રાજ્યની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સેવાનો વધુ એક દાખલો જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ,ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગે બેસાડ્યો છે.આ વિભાગે તેના વડા ડો.હિરેન સોનીના નેતૃત્વ હેઠળ કાનના પરદાના છિદ્રોની સુધારણા ટાંકા લીધા વગર થતી શસ્ત્રક્રિયા દ્વારા કરવાની શરૂઆત કરી છે.રાજ્યની સરકારી હોસ્પિટલોમાં જૂજ જગ્યાઓએ આ સુવિધા ઉપલબ્ધ છે.
ડો.સોનીએ જણાવ્યું કે ટીમ્નોપ્લાસ્ટી (કર્ણ પટલની નવરચના) નામે ઓળખાતી નવી ટેકનીક દ્વારા જરૂર પ્રમાણે એન્ડોસ્કોપ અને માઇક્રોસ્કોપના સહિયારા ઉપયોગથી કરવામાં આવે છે.આ એંડોસ્કોપ કેમેરાથી સજ્જ હોય છે.તેના માટે કોઈ નવા સાધનોની જરૂર પડી નથી. વિભાગમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને જ આ નવી સેવા આપવામાં આવી રહી છે. કાનના પરદામાં છિદ્રોને લીધે કાનમાંથી પરુનો સ્ત્રાવ થાય છે અને શ્રવણ શક્તિમાં ઘટાડો થતાં દર્દીને બહેરાશની મુશ્કેલી વેઠવી પડે છે.
તેમણે જણાવ્યું કે, આ નવી પદ્ધતિ હેઠળ કર્ણ નલિકાના માધ્યમથી પરદા સુધી પહોંચી ચામડી આરોપિત(ગ્રાફ્ટ) કરીને છિદ્રો સાંધવામાં આવે છે. ડો.હાર્દિક શાહે આ પ્રકારની ટાંકા વગરની કર્ણ સર્જરીની સોલા સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી અને પાટણમાં પણ તેઓ તે કરી રહ્યા છે.તે પછી આપણે વડોદરામાં તે શરૂ કરી છે. ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ શસ્ત્રક્રિયા માટે અંદાજે રૂ.૫૦ હજાર જેટલો ખર્ચ કરવો પડે.જ્યારે અમારા સરકારી દવાખાનામાં તે લગભગ વિનામૂલ્યે કરાવી શકાય છે. પ્રકારની મુશ્કેલી ધરાવતા લોકો અમારા વિભાગનો સંપર્ક કરે એવો તેમણે અનુરોધ કર્યો છે.