અસિત વોરા નું રાજીનામુ લેવામાં આવ્યું, એમની સાથે આઈ કે જાડેજા અને બળવંત સિંહ રાજપૂત નું પણ બોર્ડ નિગમ માંથી રાજીનામુ લેવાયું

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (17:06 IST)
તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. 
 
અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છોવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
 
ઉલ્લેખનીય છે  કે, રાજ્યના યુવાનો અને પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. આ મામલે સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ કહી દીધુ હતું. અગાઉ વારંવાર રાજ્યમાં સરકારી પરીક્ષાના પેપરો ફુટતા સરકારે પણ અસિત વોરા પાસે રાજીનામું માંગ્યુ છે તેવા પણ સમાચાર વહેત થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર