સુરતના ચોક બજાર વિસ્તારની અંદર અનેક એવી ઐતિહાસિક ચીજ વસ્તુઓ સમયાંતરે મળી રહે છે. ખાસ કરીને કિલ્લાને રીનોવેશન કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમય પણ અનેક ઐતિહાસિક વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી આવી હતી. ચોક બજાર વિસ્તારમાં જ મેટ્રો લાઇનની કામગીરી ચાલી રહી છે તેના કારણે અલગ અલગ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ચોક બજારથી પેટ્રોલ પંપ પાસે ખોદકામ દરમિયાન ત્રણ તોપ મળી આવી છે. આ બાબતની જાણ થતા જ ત્રણે તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે.
મેયર હેમાલી બોઘાવાલાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું કે, મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન નીચેથી ત્રણ ઐતિહાસિક ટોપ મળી આવ્યા હોવાની માહિતી મળતા જ હું પોતે સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી. આ બાબતે હેરિટેજ વિભાગ અને ટીમને જાણ કરી દેવામાં આવી છે. આજે ત્રણ તોપ મળી છે. તેનો ઇતિહાસ જાણી માહિતી એકત્રિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ચોક બજાર વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારની ઐતિહાસિક વસ્તુઓ મળતી રહે છે જે સુરતના ભવ્ય ઇતિહાસને છતી કરે છે.