પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજનગરના આયોજનને લઇને અનોખો્ર રેકોર્ડ રચાશે. જે વિશ્વની સૌથી મોટી ઝીરો કોસ્ટ ઇવેન્ટ બનશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ દ્વારા તૈયાર કરાયેલા નગરની ખાસિયત એ છે કે નગરમાં જમીનથી માંડીને તમામ આયોજનમા દાતાઓનો સહયોગ રહેલો છે. સાથે સાથે જમીન સમથળ કરવાની કામગીરીથી માંડીને નગરમાં સેવા માટે જોડાયેલા સ્વયંસેવકોએ એકપણ રૂપિયાના વળતર વિના સેવા આપી છે.
સુત્રોના જણાવ્યા મુજબ બીએપીએસના વડા મહંત સ્વામીએ જ્યારે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટુ આયોજન કરીને પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનું આહવાન કર્યું ત્યારે બીએપીએસ સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ સંતો અને ૧૦ લાખથી વધુ પરિવારોએ આ હાંકલ સ્વીકારી લીધી અને પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન શરૂ થયું. સામાન્ય રીતે એક સાથે ૬૦૦ એકર જગ્યા સતત દોઢથી બે વર્ષ સુધી મળવી અશક્ય હતી અને તેના માટે નાણાંની જોગવાઇ કરોડોમાં જઇ શકે તેમ હતી. પંરતુ, ઓગણજ સર્કલ પાસેની જગ્યા પસંદ આવતા ૨૫૦ થી વધુ બિલ્ડરો અને ખેડૂતોએ જમીન વર્ષ ૨૦૨૧માં બીએપીએસને સ્વેચ્છાએ પણ રૂપિયો લીધા વિના આપી હતી.
બાદમાં નગર તૈયાર કરવા માટેના પેવર બ્લોક, ફુલ-ઝાડ, મડંપની સેવા પણ હરિભક્તો દ્વારા કરવામાં આવી. એટલું જ નહી અઢી હજારથી વધારે કાર અને ખુબ મોટાપ્રમાણમાં ટુવ્હીલર્સ પણ એક રૂપિયાની અપેક્ષા વિના ઉપયોગમાં લેવા માટે આપી દેવામાં આવ્યા હતા. તો નગરમાં તમામ વિભાગોના હજારો સ્વયંસેવકોએ શ્રમદાન અને આર્થિક સહયોગ આપીને સેવા કરી હતી. આમ, નગરમાં બીએપીએસ દ્વારા આયોજીત મહોત્સવમાં સંસ્થાને ઝીરો કોસ્ટ આવી છે.
નિષ્ણાંતો કહે છે કે જો આ સમગ્ર આયોજનના નાણાંકીય ખર્ચ અંગે એક અદાજ લગાવવામાં આવે તો પણ તે અબજો રૂપિયામાં જઇ શકે છે. પરંતુ, સૌથી નવાઇની વાત એ છે કે સ્વયંસેવકાના શ્રમદાન અને નાણાંકીય સહયોગથી તેના નિયત સમયમાં સરળ રીતે પાર પડયું છે. જેને મોટી મોટી ઇવેન્ટના આયોજન કરતા આયોજકો પણ દંગ રહી ગયા છે.
વિશ્વમાં આધ્યાત્મિક રીતે અનેક આયોજન થતા હોય છે. પરંતુ, તેમાં આયોજક સંસ્થાનું યોગદાન રહે છે. પરંતુ, આ એકસાથે ૬૦૦ એકર જમીન પર ઝીરો કોસ્ટ ઇવેન્ટ થઇ હોવાની પ્રથમ ઘટના છે. જેની નોંધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં કરવામાં આવશે.