જો કે દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરી દેવામાં આવશે, જ્યારે વૉટર શૉને મુલાકાતીઓ નિહાળી શકશે.
દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે
સમગ્ર વિશ્વમાં ગુલાબી પથ્થરમાં તૈયાર કરેલા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે રાજ્યમાં આવેલા ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 1 હજાર વર્ષના આયુષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ મેળવે છે. સાથે સાથે મંદિરમાં તૈયાર કરવામાં આવેલા મ્યૂઝિયમની પણ લાખો લોકો મુલાકાત લે છે. 23 એકરમાં બનેલા આ અક્ષરધામ મંદિરના નિર્માણમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અને લોખંડના ઉપયોગ વગર આ મંદિર બનાવવામાં આવ્યું છે. 64 કલાત્મક શિલ્પ છે. 15 એકરમાં ઉદ્યાન છે.