બીમારીથી કંટાળીને સેટેલાઈટના વૃદ્ધ દંપતિએ કર્યો આપઘાત

ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (16:47 IST)
કોરોના પછીથી નિરાશાનુ વાતાવરણ એવુ છવાય ગયુ છે કે એવુ લાગે છે કે લોકોમાં હિમંત હવે જવાબ આપી રહી છે.  અવાર-નવાર ડિપ્રેશન, બીમારી, નોકરી કે અન્ય કોઈ કારણસર આત્મહત્યાના કેસ દિવસો દિવસ વધતા જઈ રહ્યા છે.  આવો જ એક વધુ કિસ્સો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બન્યો છે. 80 વર્ષીય નિવૃત પ્રોફેસરે ગળે ફાંસો ખાઈને પોતાની પત્ની સાથે જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી છે. વૃદ્ધ દંપતિએ બીમારીને કારણે આ પગલુ ઉઠાવ્યુ છે. 
 
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એકસાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતાં એક સુસાઈડ નોટ મળી આવી હતી.
 
પોલીસની પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા, પરંતુ કોઈ પરિણામ ના મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં, જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર