ગુજરાતમાં 65 ટકા ઓછો વરસાદ, 98 ડેમમાં માત્ર 25 ટકા પાણી, નર્મદા ડેમ 20 મીટર ખાલી, ત્રણ જ ડેમ છલોછલ

ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (09:07 IST)
કોરોનાના કપરાકાળ બાદ હવે ગુજરાતની માથે જળસંકટની આફત આવી છે. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છતાં રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે. 22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે. કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે.

નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7 હજાર કરોડનો ખર્ચ થાય છે છતાં લોકોને પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરામાં-મહિસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 48.89% છે. સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 23.86%, મધ્યમાં 42.40%, દક્ષિણમાં 63.48%, કચ્છમાં 21.09%, સૌરાષ્ટ્રમાં 40.30% પાણીનો સંગ્રહ છે. માત્ર 20 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 98 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં 6.51%, ખેડા જિલ્લામાં 9.12%, દેવભૂમિ દ્વારકામાં 12%, સાબરકાંઠામાં 15% જ જળસંગ્રહ છે.આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 ઑગસ્ટ સુધી રાજ્યમાં 107% વરસાદ થયો હતો. જેની અત્યારે રાજ્યમાં સરેરાશ વરસાદની સામે 47%ની ઘટ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર