5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

શનિવાર, 3 ઑગસ્ટ 2024 (00:03 IST)
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે.

આ ઉપરાંત સમગ્ર ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં કયા કેવો વરસાદ રહેશે એના વિશે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તો ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે. આજે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જેટલો સામાન્ય વરસાદ હોવો જોઈએ એના કરતાં થોડો ઓછો વરસાદ રહેશે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં જરૂરિયાત મુજબનો સામાન્ય વરસાદ રહેશે. ફક્ત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે, એટલે કે આપણે તારણ કાઢી શકીએ છીએ કે અત્યારસુધીમાં ગુજરાત રાજ્યમાં જે ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે અને પૂર જેવી સ્થિતિને કારણે તારાજી સર્જાઈ છે ત્યાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે, પરંતુ હજુ આગામી પાંચથી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્ય માટે હળવાથી મધ્યમ વરસાદની વકી છે.

ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસના વાતાવરણની વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. આ ઉપરાંત પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર