ગુજરાતમાં દરિયા કિનારેથી શરૂ થયેલી ડ્રગ્સની હેરાફેરી હવે શહેરોમાં પણ થવા માંડી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ડ્રગ્સનું વેચાણ વધવા માંડ્યું છે. પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરતી હોવા છતાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ફતેવાડી કેનાલ પાસે એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. SOG ક્રાઈમે 6.69 લાખની કિંમતના 69 ગ્રામ 670 મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે આજે સારંગપુરમાંથી વધુ એક મહિલા 10.39 લાખના 103 ગ્રામ 900 મિલીગ્રામ ડ્રગ્સ સાથે પકડાઈ છે.
SOG ક્રાઈમે 10.39 લાખના ડ્રગ્સ સાથે મહિલાને પકડી
અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો વધી રહ્યાં છે. શહેરમાં અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે. આજે SOG ક્રાઈમે બાતમીને આધારે શહેરના સારંગપુરમાં ઘંટાકર્ણ માર્કેટના ગેટ પાસેથી જાહેર રોડ પરથી સમીમબાનુ નામની મહિલાને 10.39 લાખના 103 ગ્રામ 900 મિલીગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડવામા આવી છે. તેનો પતિ તનવીર શેખ સિલાઈ કામ કરે છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ સહિત કુલ 10,45,130નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગઈકાલે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા હતા
અગાઉ NDPSના ગુનામાં ઝડપાયેલા જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચને આ વખતે પણ ડ્રગ્સના કેસમાં પકડી પાડવામાં આવ્યો છે. તે ઉપરાંત ગઈ કાલે મહિલા પકડાઈ છે તે પણ અગાઉ ડ્રગ્સ વેચતી પકડાઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ મહિલા ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા ફિરોજ ચોરની સગી બહેન છે. SOG ક્રાઈમે ગઈકાલે જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ અને શબાના બાનુ મિર્ઝાની ધરપકડ કરી છે. SOG ક્રાઈમે 6.69 લાખની કિંમતના 69 ગ્રામ 670 મિલીગ્રામ ડ્રગ્સ સાથે કુલ સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.