ચાની લારીઓવાળાને પરાણે નમો ટી સ્ટોલ લખેલા બોર્ડ લગાવવાની ધમકીઓ

શનિવાર, 15 ફેબ્રુઆરી 2014 (13:04 IST)
P.R
હાલમાં ભાજપ દ્વારા અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં ચાની કીટલીઓ પર નમો ટી સ્ટોલ લખેલા બોર્ડ લગાડવાની ઝુંબેશ ચલાવે છે. પરંતુ આવા ટી સ્ટોલ બનાવવા માટે ચાની કીટલીઓ વાળાને ભાજપના કાર્યકરો ધમકાવતાં હોવાનું બહાર આવ્યું છે. જો કોઈ કીટલીવાળા ના પાડે તો તેની કીટલી ઉપડાવી લેવાની પણ ધમકી અપાઈ રહી છે.

છેલ્લા પંદરેક દિવસથી અમદાવાદ સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો, આગેવાનોએ દરેક ચાની કીટલી પર નમો ટી સ્ટોલ લખેલા બોર્ડ લગાડવાનું શરૃ કર્યું છે. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો, નમો ટી સ્ટોલ એવું લખાણ, ચાની કીટલી વાળાનો નાનો ફોટો અને તેનું નામ લખવામાં આવે છે.

P.R
પરંતુ કેટલાય વિસ્તારોમાં અનેક ચાની કીટલીઓ વાળાને આ નમો ટી સ્ટોલના બોર્ડ લગાડવાનું મંજુર નથી. અનેક કીટલીઓ વાળા આવું બોર્ડ લગાડવાનો વિરોધ કરે છે. પરંતુ ભાજપના આગેવાનો તેઓની વાત કાને ધરતાં જ નથી.

ભાજપના જ આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યું કે કેટલાક કીટલીઓ વાળા અન્ય પક્ષના સમર્થકો હોય તો તેઓ ભાજપનું કે નરેન્દ્ર મોદીનું બોર્ડ લગાડવા માટે રાજી નથી થતાં. તો વળી કેટલાક કીટલીઓ વાળા તેના ધાર્મિક નામ વાળા, ભગવાન કે માતાજી કે અન્ય કોઈ દેવી-દેવતાના ફોટા નામ, ફોટા સાથેના બોર્ડ લગાડવાનું ગમતું હોય છે. કેટલાક શ્રધ્ધાના કારણે પણ આવા બોર્ડ પસંદ કરતાં હોય છે.આવી સ્થિતિમાં ભાજપના કાર્યકરો તેના જૂના બોર્ડ ઉતરાવીને નમો ટી સ્ટોલ લખેલા બોર્ડ લગાડવાની ફરજ પાડે ત્યારે તે ચાની કીટલી વાળાઓ તેનો વિરોધ કરે છે. પરંતુ ભાજપના આગેવાનો-કાર્યકરો ત્યારે વિરોધ કરનાર ચાની કીટલી વાળાને ધમકાવે છે. તેઓને એવો ડર દેખાડે છે કે જો તું બોર્ડ લગાડવા નહીં દે તો મ્યુનિસિપાલિટીને કહીને તારી આ કીટલી જ ઉપડાવી લઈશું.ચાની કીટલીઓ મોટા ભાગે રોડ-રસ્તા પર દબાણ કરીને બનેલી હોય છે. આથી મ્યુનિસિપાલિટીની સાથેસાથે પોલીસનો પણ ડર દેખાડવામાં આવે છે. આમ વિવિધ સત્તાનો ડર દેખાડીને ભાજપના કાર્યકરો નમો ટી સ્ટોલના બોર્ડ લગાડી રહ્યા છે. બળજબરી કરીને આવા બોર્ડ લગાડી તો દેવાય છે. પરંતુ કીટલીઓ વાળા અંદરખાને ભારે ધુંધવાયેલા છે.આવા કીટલીઓ વાળાઓનો વિરોધ આગામી દિવસોમાં ઉગ્ર સ્વરૃપે બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જો કે ભાજપ હજુ પણ સત્તાના મદમાં આવા બોર્ડ લગાડવાનું બંધ નથી કરતાં. ત્યારે ભવિષ્યમાં ભાજપ અને ચાની કીટલીઓ વાળા વચ્ચે સંઘર્ષ વધે તો નવાઈ નહીં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજવાની શરૃઆત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ કન્સેપ્ટનો જશ લેવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી પોતે પણ ચાની કીટલી પર આ રીતે ચર્ચા કરીને પ્રશ્નો ચર્ચવાના નવા અભિગમનો જશ અંકે કરી રહ્યા છે. પરંતુ આ કન્સેપ્ટની શરૃઆત આમ તો મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી. તુષાર ગાંધીએ ૧પ ડિસેમ્બર ર૦૧રના રોજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામેની ચાની કીટલીએ યુવાનો સાથે આ રીતે ચર્ચા કરી હતી. ચાની કીટલીને ચર્ચા કરવાનું તેમણે ઉત્તમ સ્થળ માન્યું હતું. હવે આ જ નવા અભિગમને મુખ્યમંત્રીએ અપનાવી તેનો વિસ્તાર વધાર્યો છે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વધુને વધુ કીટલીઓ પર જઈને આ કન્સેપ્ટ મુજબ ચર્ચાઓ કરવાના છે

વેબદુનિયા પર વાંચો