અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે, તેલંગણા સરકારે તા. 11 ઑક્ટોબરે આ સંદર્ભનો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, "પછાત વર્ગ, અનુસૂચિતા જાતિ, અનુસૂચિત
જનજાતિ તથા અન્ય નબળા વર્ગોમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગારીની તકોને લગતી યોજનાઓ ઘડવા અને લાગુ કરવા માટે" તેને હાથ ધરવામાં આવશે.
આ પહેલાં મંગળવારે હૈદરાબાદ ખાતે તેલંગણાના મુખ્ય મંત્રી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કૉંગ્રેસના નેતાઓ, માનવાધિકાર કર્મશીલો, નાગરિક સામાજિક સંગઠનો, જ્ઞાતિવિરોધી કાર્યકર્તાઓની
બેઠક મળી હતી અને ચર્ચાવિચારણા કરી હતી.
રાહુલ ગાંધીને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે, કૉંગ્રેસ પાર્ટી કાસ્ટ સૅન્સસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેલંગાનો સર્વે નમૂનારૂપ બનશે અને કૉંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવ્યે તેને દેશભરમાં લાગુ કરાશે.
તેમણે ન્યાયતંત્ર, કૉર્પોરેટજગત અને મીડિયામાં દલિત, ઓબીસી અને આદિવાસીઓની ઓછી સંખ્યા વિશે નરેન્દ્ર મોદી સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા.