મુખ્યમંત્રીશ્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે.આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.