કોંગ્રેસની નિરાશામાં નેતૃત્વની નિષ્ફળતા છુપાયેલી છે – ભાજપ
શુક્રવાર, 6 જુલાઈ 2018 (11:50 IST)
અમદાવાદ, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડની હારમાળાઓ સર્જાતી હતી પણ તેના પર એકશન લેવાતા ન હતાં. કોંગ્રેસનાં મંત્રીઓના બંગ્લાઓ ગુનેગારોના આશ્રય સ્થાનો બન્યાં હતાં. કોંગ્રેસના નેતાઓની ગાડીઓમાં ખતરનાક હથિયારો પકડાતાં હતાં. ગુજરાતમાં અનેક ગેંગો રાજકીય આશ્રયથી ફૂલીફાલી હતી. કોંગ્રેસ શાસનના આ ભયંકર ભુતકાળ ગુજરાતની જનતા ભુલી નથી. કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને “ઉડતા પંજાબ” અને “ઝુમતા ગુજરાત”નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મેઘા પાટકરના સમર્થનમાં ટ્વીટ કરીને નર્મદા અને ગુજરાત વિરોધી માનસિકતાનો પરીચય તેમની નિમણુંકના સમયે આપી દીધો હતો. હજૂ નર્મદા મુદ્દે તેમણે ગુજરાતની જનતાની માફી માંગી નથી. ત્યારે કોંગ્રેસનાં તમામ નેતાઓ ગુજરાતને “ઝુમતા ગુજરાત” કહીને બદનામ કરી રહ્યાં છે. ભલે તમે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરો. પરંતુ સંસ્કારી ગુજરાત, આગવું ગુજરાત અને જય જય ગરવી ગુજરાત માટે ઝુમતા ગુજરાત જેવો અપમાન જનક શબ્દ ભાજપ કે ગુજરાત કયારેય સાંખી નહીં લે એ કોંગ્રેસ યાદ રાખે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્ધારા પોલીસતંત્ર કોઇપણની શેહ-શરમ રાખ્યા વગર ગુનેગારોને તડીપાર, પાસા સહિત વધુને વધુ સજા મળે તે રીતે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. કોઈપણ ગુનાખોરી સામે ગુનેગારોને જાહેરમાં સરઘસ આકારે ફેરવીને શિક્ષાત્મક અને દાખલારૂપ પોલીસતંત્ર પગલાં ભરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પોલીસતંત્રની નૈતિકતાને બિરદાવવાને બદલે તેમની માત્ર સતત ટીકા કરીને હતાશ કરવાનો પ્રયાસ કરે છે અને ગુનેગારોની તરફેણમાં પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે તે નિંદનીય છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓનાં નિવેદનોમાં કોંગ્રેસની હતાશા અને નેતૃત્વની નિષ્ફળતા છૂપાયેલી છે. કોંગ્રેસના “ટ્રેલર” સામે ગુજરાતની જનતાએ પીકચર બતાવી દીધું છે. જ્ઞાતિવાદ, વેરઝેર, અફવા, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાના કોંગ્રેસના “ટ્રેલર” સામે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 49.10 ટકા મતો સાથે સતત છઠ્ઠીવાર ભાજપને જીતાડીને “પીકચર” (પરિણામ) બતાવી દીધું છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં પ્રદર્શનની વાત કરે છે. પરંતુ અત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય “મારી નાંખવાના” હિંસાત્મક નિવેદનો કરે છે. કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ગાળાગાળી અને અને મારામારીના દૃશ્યો સર્જે છે. દૂધ ઢોળી દેવાની અને શાકભાજી ફેંકી દેવાની સાથે તોડફોડ અને હિંસાના કાર્યક્રમોનું પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ આ પ્રકારના હિંસાત્મક અને વેરઝેરનું પ્રદર્શન છે. જ્યારે ભાજપ સેવાના કાર્યક્રમો સાથે જનતાના “દર્શન” કરે છે. સતત એક મહિના સુધીના જળસંગ્રહ કાર્યક્રમ, બાળકો માટે શાળા પ્રવેશોત્સવ, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ અને હવે વૃક્ષારોપણ, જળપૂજન, નિદાન કેમ્પના કાર્યક્રમો ભાજપે હાથ ધર્યાં છે. કોંગ્રેસની વેરઝેરની નકારાત્મક રાજનીતિ સામે ભાજપ હંમેશા લોકસેવા અને વિકાસની રાજનીતિ કરશે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.