ગુજરાતના ઉમેદવારોએ ૫૯ ટકા ખર્ચ કર્યો
ગાંધીનગર, ચૂંટણી પ્રચાર પર ખર્ચ કરવામાં કેરળ દેશમાં સૌથી આગળ છે. અહીં ઉમેદવારોએ નિયત રકમથી સરેરાશ ૭૦%થી વધુ ખર્ચ કર્યો છે. લગભગ ૫૯% ખર્ચની સાથે ગુજરાત બીજા નંબર પર છે. વિજયી ઉમેદવારોના વોટ શેરના મામલામાં અરુણાચલ પ્રદેશ સૌથી આગળ છે. અહીં જીતેલા ઉમેદવારોને ૫૩% વોટ મળ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના નવા રિપોર્ટમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
સરકારની ભલામણો મુજબ ઇલેક્શન કમિશને ૨૦૧૪માં ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ ફરી નક્કી કર્યો હતો. જેમાં નાના અને મોટા રાજ્યો મુજબ દરેક ઉમેદવારના પ્રચાર પર ખર્ચની ચાર કેટેગરી એટલે કે ૮ લાખ રૃપિયા, ૧૬ લાખ રૃપિયા, ૨૦ લાખ રૃપિયા અને ૨૮ લાખ રૃપિયા બનાવવામાં આવી હતી.
૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યાં જોવા મળ્યું કે ઉમેદવારોએ સૌથી વધુ ખર્ચ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતા વાહનો પર કર્યો છે. તેઓએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રચાર પર માત્ર ૫% ખર્ચ કર્યો. વિજયી ઉમેદવારોને મળનારા વોટના મામલે અરૃણાચલ પ્રદેશ સૌથી આગળ છે. અહીં જીતનારા ઉમેદવારોને ૫૩.૧% વોટ મળ્યા. આ મામલે ઝારખંડ સૌથી પાછળ (૩૧.૨%) સૌથી પાછળ છે. અરુણાચલ બાદ વધુ ચાર રાજ્ય- ગુજરાત, ત્રિપુરા, સિક્કિમ અને હિમાચલ પ્રદેશ છે જ્યાં વિજયી ઉમેદવારોને ૫૦%થી વધુ વોટ મળ્યા છે. રિપોર્ટ મુજબ, સરકાર રચનારી પાર્ટી કે ગઠબંધન પાર્ટીઓ ૫૫%થી વધુ વોટ નથી મેળવી શક્યા. એડીઆરએ ૪૧૨૦માંથી ૪૦૮૭ ધારાસભ્યોના ચૂંટણી ખર્ચ અને વોટ શેરનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ તૈયાર કરવા દરમિયાન મેઘાલય અને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના ડેટા નથી મળ્યા.