ગાંધીનગર લોકસભા બેઠક દેશની સૌથી ચર્ચિત લોકસભા બેઠકોમાં એક છે. ઘણા દિગ્ગજો આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હાલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અહીંથી સાંસદ છે. ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી.
આ વખતે લોકસભા-2024ની ચૂંટણીમાં અમિત શાહ ફરીથી ભાજપના ઉમેદવાર છે. આ હાઇપ્રોફાઇલ બેઠક ભાજપના દિગ્ગજોની પહેલી પસંદ રહી છે. છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે.
જાણકારો કહે છે કે આ બેઠક એવી છે કે કૉંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા પણ અહીંથી ચૂંટણી લડે તો પણ તેની જીતની શક્યતા નહીવત્ છે અને ભાજપ કોઈ સામાન્ય કાર્યકર્તાને પણ અહીંથી ઊભા રાખે તો પણ તેની જીતની શક્યતા વધારે છે.
ભાજપનો દાવો છે કે તેની આ લોકપ્રિયતા તેમના વિકાસ કામોને કારણે છે જ્યારે કૉંગ્રેસ કહે છે કે ભલે આ બેઠક ભાજપનો ગઢ મનાતી હોય પરંતુ તેમની પાસે મુદ્દાઓ છે જેને કારણે તેઓ મતદાતાને આકર્ષી શકે છે.
કૉંગ્રેસે હજી આ બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી પરંતુ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનને કારણે અહીં આપ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખવાને બદલે કૉંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
જાણકારોનું કહેવું છે કે વર્ષ 1989 બાદ ગાંધીનગર લોકસભા બેઠક જીતવા માટે કૉંગ્રેસે અહીં ઘણા પ્રયોગો કર્યા અને ઘણા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેને સફળતા નહીં મળી.
ત્યારે જોઈએ કે ગાંધીનગર બેઠકનો ચૂંટણી ઇતિહાસ શો છે અને આ બેઠક પરથી કયા કયા દિગ્ગજોએ ચૂંટણી લડી, કોણ અહીંથી જીતીને લોકસભામાં પહોંચ્યું અને હાલનું સમીકરણ શું છે?
શું ગાંધીનગર ભાજપ માટે આસાન બેઠક છે?
વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ રેકૉર્ડ મતોથી જીત્યા હતા. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અમિત શાહને 8 લાખ 94 હજાર 624 મતો મળ્યા હતા જ્યારે કૉંગ્રેસ તરફથી ઊભા રહેલા ઉમેદવાર સી. જે. ચાવડાને માત્ર ત્રણ લાખ 37 હજાર 610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5 લાખ 57 હજાર વોટથી જીતી લીધી હતી. ભાજપને કુલ 69.67 ટકા વોટ મળ્યા હતા.
ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. જાણકારો કહે છે કે અમિત શાહ મોદી સરકારમાં નંબર ટુ છે. તેથી તેમને આસાન મનાતી ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે જેથી તેઓ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચૂંટણી અભિયાન અને વ્યવસ્થાપનમાં ધ્યાન આપી શકે.
અમદાવાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર સાર્થક બાગચી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત સાથેનો સબંધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતા વધારે ગાઢ બન્યો છે કારણકે તેમનું અહીં આવવાનું વધારે થાય છે અને તેઓ તમામ સામાજિક કે ધાર્મિક મેળાવડામાં ભાગ લે છે."
સાર્થક બાગચી કહે છે કે કાશ્મીરમાં 370ની કલમ હઠાવવાનો મામલો હોય કે પછી સીએએને લાગુ કરવાનો મામલો, અમિત શાહે મતદાતાઓનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ એમ પણ કહે છે કે ચૂંટણી વ્યવસ્થાપનમાં અમિત શાહ માહેર છે અને તેનો ફાયદો પહેલાં પણ ભાજપને મળ્યો છે અને અત્યારે પણ મળી રહ્યો છે.
સાર્થક બાગચી વધુમાં કહે છે, "અમિત શાહ કેન્દ્રમાં ભજવેલી ભૂમિકાને કારણે વધારે પ્રભાવશાળી બન્યા છે, મતદાતાઓ પર પ્રભાવી છાપ છોડે છે. કાર્યકર્તાઓ માટે પણ અમિત શાહની ઉમેદવારી પ્રતિષ્ઠાનો સવાલ બને છે તેથી બૂથ લેવલનો કાર્યકર્તા પણ જીત માટે વધારે મહેનત કરે છે અને તેનો ફાયદો અમિત શાહને થાય છે."
ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત ગુજરાત વિધાનસભાની સાત બેઠકો આવે છે. ગાંધીનગર-ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી. વર્ષ 2022માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ વિધાનસભા બેઠકો પર હાલ ભાજપે જીત મેળવી હતી.
જેને કારણે જાણકારોનું કહેવું છે કે ભાજપના વિજયરથને રોકવો વિપક્ષ માટે અઘરો છે.
આમ આ બેઠક પર 79 ટકા શહેરી મતદાતાઓ છે અને 21 ટકા ગ્રામીણ મતદાતાઓ છે. તેમાં હિંદુ બહુમતી ધરાવતા મતદાતાઓ છે. એસટી મતદાતાઓનું પ્રમાણ માત્ર બે ટકા છે જ્યારે કે એસસી મતદાતાનું પ્રમાણ 11.4 ટકા છે.
જાણકારો કહે છે જ્યારથી ભાજપના કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણી અહીંથી ચૂંટણી લડતા થયા ત્યારથી આ બેઠક વીવીઆઈપી બેઠક બની ગઈ છે.
રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "જ્યારે અડવાણી અહીંથી ચૂંટણી લડતા હતા ત્યારે અમિત શાહ જ તેમની ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હતા."
રાજકીય વિશ્લેષક ભવેન કચ્છી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "તેમનો કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક જીવંત છે."
રાજકીય વિશ્લેષક ધીમંત પુરોહિત બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અડવાણી બાદ આ બેઠક અમિત શાહ પાસે આવી. આ પરંપરાગત ભાજપની જ બેઠક મનાય છે."
અમદાવાદ : સાબરમતી આશ્રમના નવીનીકરણના પ્રોજેક્ટમાં સરકાર શું કરવા માગે છે અને તેની સામે સવાલો કેમ થઈ રહ્યા છે?
ઘણા જાણકારો કહે છે કે ભાજપ માટે આ ક્લીન સ્વીપ સમાન છે.
દિલીપ પટેલ કૉંગ્રેસ માટે આ બેઠક જીતવી કેમ અઘરી છે તેનાં કારણો જણાવતા કહે છે, "હાલ તો આ એક તરફી ચૂંટણી લાગે છે. કૉંગ્રેસે અહીંથી પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષાનને પણ લાલકૃષ્ણ અડવાણી સામે ઉતાર્યા હતા પણ તેઓ હારી ગયા હતા. કૉંગ્રેસે એકવાર બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાને પણ ઉતાર્યા હતા પરંતુ તેઓ પણ હારી ગયા હતા."
ધીમંત પુરોહિત કૉંગ્રેસની કઠણાઈના કારણ જણાવતા કહે છે,"એક તબક્કે ધારી લઈએ કે જો કૉંગ્રેસ ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો લઈ જાય તો પણ ગાંધીનગર બેઠક પરથી ભાજપ ચૂંટાઈ આવે એટલી મજબૂત છે ભાજપ ગાંધીનગરમાં. જોકે કૉંગ્રેસ એટલી મજબૂત નથી કે 25 બેઠકો લઈ જઈ શકે પરંતુ ગાંધીનગરમાં ભાજપની જીતના ટ્રેન્ડમાં મોટા ફેરફારની કોઈ શક્યતાઓ લાગતી નથી."
જાણકારો કહે છે કે આટલી મોટી જીત બાદ જે ગત ચૂંટણીમાં અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા તે કૉંગ્રેસના નેતા સી. જે. ચાવડા હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે.
સી. જે. ચાવડા એક સમયે ગાંધીનગરના ધારાસભ્ય હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુરથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા પરંતુ હવે તેઓ ભાજપમાં ભળી જતા જાણકારોના મત પ્રમાણે કૉંગ્રેસ અહીં વધુ નબળી બની છે.
સાર્થક બાગચી તેનાં કારણો જણાવતા કહે છે, "જે પ્રકારે કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં ચાલ્યા ગયા તેને કારણે કૉંગ્રેસમાં નેતાઓની અછત સર્જાઈ છે."
ભવેન કચ્છી જણાવે છે, "ગાંધીનગરમાં જે કોઈ કૉંગ્રેસના ઉમેદવાર બનશે તેને અમિત શાહ સામે લડી રહ્યા હોવાનો અને તેને કારણે પ્રચલિત થવાનો લાભ મળશે બાકી કોઈ ફાયદો હાલ દેખાતો નથી."
દિલીપ પટેલ તો કટાક્ષ કરતા કહે છે, "ગાંધીનગરમાં એવી સ્થિતિ છે કે હાલ કૉંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓ- ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા, આ ત્રણ નેતાઓ પૈકી કોઈ પણ જો ગાંધીનગરમાં ઝંપલાવે તો તેઓ અમિત શાહની સામે ટક્કર ઝીલી શકે તેમ નથી."
ધીમંત પુરોહિત કહે છે, "હાલ વિપક્ષની સ્થિતિ જોતા લાગે છે કે ભાજપની સ્થિતિ ઘણી જ મજબૂત છે."
સાર્થક બાગચી કૉંગ્રેસને ન્યાય યાત્રાનો ફાયદો થયો હોવાનું જણાવે છે. જોકે સાથે તેમનું કહેવું છે, "રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને કારણે કૉંગ્રેસનો માહોલ જરૂર બન્યો પરંતુ તેને વોટમાં પરિવર્તિત કરવા માટે બૂથ લેવલના કાર્યકર્તાઓએ મહેનત કરવી પડે."
"મોટા નેતાઓ રેલી કરે, રોડ-શો કરે પરંતુ છેવટે તો મતદાનના દિવસે લોકોને મતદાન મથક સુધી લઈ જવાનું કામ તો કાર્યકર્તાનું છે. કૉંગ્રેસને ત્યાં જ તકલીફ છે."
ગુજરાત ભાજપમાં કૉંગ્રેસી નેતાઓ જોડાતાં પક્ષના કાર્યકરોમાં અસંતોષ કેમ?
ચૈતર વસાવાને કારણે ભાજપે ભરૂચમાં મનસુખ વસાવાને રિપીટ કરવા પડ્યા?
શું કહેવું છે ભાજપ, કૉંગ્રેસ અને આપનું?
ભાજપનું કહેવું છે કે તેમની સરકારે ગાંધીનગરની જનતાના સેવક બનીને કામ કર્યું છે તેનો ફાયદો તેમને જરૂર મળશે.
ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી વિધાનસભા બેઠક વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અમિતભાઈ શાહે તેમના મતદાતાઓ સાથેનો જીવંત સંપર્ક બનાવી રાખ્યો છે. તેમણે પાંચ વર્ષ દરમિયાન ગાંધીનગરમાં વિવિધ 22000 કરોડ રૂપિયાના વિકાસનાં કામો કર્યાં છે. ભાજપનો મતદાતા જાણે છે કે તેમના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે. ગાંધીનગર ભલે ભાજપની પરંપરાગત બેઠક હોય પરંતુ તેના પરથી જ્યારે અમિતભાઈ શાહ લડતા હોય ત્યારે સોનામાં સુગંધ ભળે છે."
કૉંગ્રેસ પાર્ટી ભલે સ્વીકારતી હોય કે ગાંધીનગરમાં તેમની જીત આસાન નથી પરંતુ તેમના નેતાઓ કહે છે કે તેઓ ભાજપને ટક્કર આપશે.
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે, "એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો અને ભાજપની માત્ર બે બેઠકો આવી હતી. ત્યારબાદ જો ભાજપ કૉંગ્રેસને હઠાવીને સરકાર બનાવી શક્યો તો હાલની મજબૂત સ્થિતિમાં રહેલી ભાજપ સરકારને કેમ ન હરાવી શકાય? મંદી, મોંધવારી અને બેરોજગારીના મુદ્દાને લઈને કૉંગ્રેસ મેદાનમાં ઉતરશે અને જીત માટે લડશે."
આ બેઠક પર આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના જે ઉમેદવાર હશે તેને સમર્થન જારી રહ્યું છે.
આપના પ્રવક્તા કરણ બારોટ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "ગાંધીનગર એ કોઈનો ગઢ નથી. પરિવર્તન ગમે ત્યારે થઈ શકે. આ બેઠક અઘરી છે કારણકે તેના પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે. આ લોકસભા આંતર્ગત આવતી એક વિધાનસભા બેઠક ઘાટલોડિયામાંથી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટાયા છે. પણ કૉંગ્રેસ અને આપ મળીને તેમને હરાવવાની ક્ષમતા છે."
પૂનમ માડમ : પડતાં મુકાવાની અટકળો વચ્ચે ભાજપે ત્રીજી વખત ટિકિટ કેમ આપી?
યુસુફ પઠાણ પ. બંગાળની જે બેઠક પરથી ચૂંટણી લડશે તે વિસ્તાર કેવો છે અને તમનું જીતવું કેટલું મુશ્કેલ છે?
શું છે ગાંધીનગર લોકસભા બેઠકનો ઇતિહાસ?
પહેલી મે, 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્યનું ગઠન થયું ત્યારે પહેલાં અમદાવાદ તેની રાજધાની બની.
પાંચ વર્ષ બાદ બે ઑગસ્ટ, 1965ના રોજ ગાંધીનગર નામનું નવું શહેર વસાવવામાં આવ્યું અને તે રાજ્યનું પાટનગર બન્યું.
1965માં ગાંધીનગર જિલ્લો બન્યો અને 1967માં ગાંધીનગર લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.
પહેલાં તેના પર કૉંગ્રેસના ઉમેદવાર એસ. એમ. સોલંકી જીત્યા. 1971ની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ(ઓ)ના એસ.એમ. સોલંકીને જીત મળી. તેમણે ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસના ઉમેદવાર નરસિંહ મકવાણાને હરાવ્યા હતા.
કટોકટી બાદ જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય લોકદળના ઉમેદવાર પુરુષોત્તમ ગણેશ માવળંકરે કૉંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને લગભગ 60 હજાર વોટથી હાર આપી.
વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન પણ બન્યા પણ બહુમત ન હોવાને કારણે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું.
તેઓ લખનૌની બેઠક પરથી પણ જીત્યા હતા તેને કારણે તેમણે ગાંધીનગરની બેઠક પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં ભાજપના વિજય પટેલે ઝંપલાવ્યું. કૉંગ્રેસે આ બેઠક કબજે કરવા માટે બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાને અહીંથી ઉતાર્યા પરંતુ રાજેશ ખન્ના 61 હજાર વોટથી હારી ગયા.
1998માં ફરી અડવાણી અહીંથી ઉમેદવાર બન્યા. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર ગુજરાતના પૂર્વ ડીજીપી પી. કે. દત્તા હતા. અડવાણીએ દત્તાને 2.76 લાખ વોટથી પરાજય આપ્યો.
તે વખતે વાજપેયી વડા પ્રધાન બન્યા પરંતુ તેમની સરકાર 13 મહિના બાદ એક મતે પડી ગઈ. તેથી 1999માં ફરી ચૂંટણી આવી.
આ વખતે અડવાણીનો મુકાબલો 1990ના દશકમાં ચૂંટણી સુધાર માટે જાણીતા પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષન સાથે હતો. પણ શેષન 1.88 લાખ વોટથી હાર્યા અને અડવાણીએ ત્રીજી વાર ગાંધીનગરમાં જીત મેળવી. ત્યારબાદ 2004માં પણ અડવાણી જીત્યા. 2009માં અડવાણી ભાજપના વડા પ્રધાન પદનો ચહેરો હતા. અડવાણી તો ગાંધીનગરમાંથી જીતી ગયા પરંતુ કેન્દ્રમાં યુપીએ-2 સરકાર બની અને અડવાણી પીએમ ઇન વેઇટિંગ જ રહી ગયા.
2014માં નરેન્દ્ર મોદી ભાજપનો વડા પ્રધાન પદનો ચહેરો બન્યા. જોકે ગાંધીનગરથી અડવાણી જ ઉમેદવાર હતા. તેમણે કૉંગ્રેસના કિરીટ પટેલને 4.83 લાખ વોટથી પરાજય આપ્યો.