ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈ મોટી જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી 30-11-2021 સુધી દરરરોજ રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવામાં આવી હતી. આજે જાહેરનામાની મુદ્દત પુરી થતાં કોરોનાના નિયંત્રણો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રિ કરફ્યું દૂર કરવા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડામાં 400 ના બદલે 800 લોકોને છૂટ અપાશે. રાજ્ય સરકારે ગત સપ્તાહે છુટછાટ આપવા કર્યો નિર્ણય હતો. અત્રે નોંધનીય છે કે ઓમિક્રોનના ડર વચ્ચે રાજ્ય સરકાર નિયંત્રણોમાં વધુ રાહત આપી શકે છે. બપોરે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વચ્ચે બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 262એક્ટિવ કેસ છે.
વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ભરુચ 5, સુરત કોર્પોરેશન 4, કચ્છ 3, ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, પંચમહાલ 1 અને સુરતમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.