અમદાવાદમાં એક મહિલા બીજી મહિલા સાથે ગાળો બોલીને વાતો કરતી હતી, ત્રીજી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં મામલો લોહિયાળ બન્યો

મંગળવાર, 30 નવેમ્બર 2021 (11:27 IST)
અમદાવાદમાં નાની નાની વાતોમાં થયેલી માથાકૂટ મોથું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ક્યાંક લોકો અદાવત રાખીને મોટો ગુનો કરી બેસે છે. ત્યારે શહેરમાં બે મહિલાઓની  વાતચીતનો મામલો લોહિયાળ બની ગયો હતો. શહેરની એક પોળમાં બે મહિલાઓ વાતો કરતી હતી. જેમાં એક મહિલા ગંદી ગાળો બોલતી હતી. આ દરમિયાન ત્યાં રહેતી ત્રીજી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં જ ગાળો બોલનારી મહિલા ઉશ્કેરાઈ ગઈ અને લાકડીઓ અને લોખંડની પાઈપોથી મારા મારી શરૂ થઈ ગઈ હતી. આ મામલે ગાળો નહીં બોલવાનું કહેતી મહિલાને ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ગાળો બોલનાર મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં રાયપુર ચકલા પાસે સ્થિત વાઘેશ્વરીની પોળમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. બે દિકરીઓના લગ્ન થઈ ગયાં છે. તેમજ દીકરો માણેક ચોકમાં સોનીને ત્યાં નોકરી કરે છે. મહિલાના પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે સૌથી નાની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. ગઈ કાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ આ મહિલાની બાજુમાં રહેતાં મીના બેન રાણા તેમના ઘરના આગળના ભાગે જ્યોતિબેન સોલંકી સાથે વાતો કરતાં કરતાં 
ગંદી ગાળો બોલતાં હતાં. ત્યારે આ મહિલાએ તેમને ગાળો બોલવી હોય તો બહાર જઈને વાતો કરો એવું કહ્યું હતું. આટલું કહેતાં જ મીનાબેન મહિલા પર ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે હું મારા ઘર આગળ ગાળો બોલું છું. તમારાથી થાય તે કરી લો. એમ કહીને મહિલાને ગંદી ગાળો બોલવા લાગેલ. ત્યારે મહિલાએ ફરીવાર તેમને કહ્યું હતું કે, શાંતિથી વાત કરો ગાળો કેમ બોલો છો. બસ આટલું કહેતાં તેઓ ફરી ઉશ્કેરાઈ ગયાં હતાં અને લોખંડની પાઈપથી હૂમલો કર્યો હતો. પાઈપ મહિલાના હાથે વાગતાં જ લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારે મીનાબેનના પતિ દિપેશ રાણાએ પણ ગાળો બોલીને મહિલાને લાકડાનો ફાંચડો માથામાં મારવા જતાં મહિલાની ડાબી આંખની બાજુમાં ઈજા પહોંચી હતી.

દિપેશ રાણાએ મહિલાના દિકરાને પણ લાકડાનો ફાંચડો માથામાં તથા ડાબા હાથે કોણી પર માર્યો હતો. જેથી તેને મૂઢ ઈજા થઈ હતી.  આ દરમિયાન પોલીસને ફોન કરતાં પોલીસ પોળમાં પહોંચી હતી. ફરિયાદી મહિલા અને તેમનો દિકરો બંને ખાડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. તેમણે ફરિયાદ નોંધાવીને 108ને બોલાવી એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. તેમની ટ્રોમા સેન્ટર વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. ફરિયાદી મહિલાને માર મારતાં આંગળીના ભાગોમાં ઈજા થતાં ચાર ટાંકા આવેલા છે. મહિલાએ મીનાબેન રાણા તથા તેના પતિ દિપેશ રાણા વિરૂદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર