Delhi - મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (19:12 IST)
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બંને મંત્રીઓ હાલમાં તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે, ત્યારબાદ બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. તમને જણાવી દઈએ કે CBI દ્વારા રવિવારે જ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, સત્યેન્દ્ર જૈન ચિટ ફંડ કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે. ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
 
સરકારમાં 18 મંત્રાલય સાચવી રહયા હતા સિસોદિયા  
 
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. જણાવી દઈએ કે મનીષ સિસોદિયા દિલ્હી સરકારના કુલ 33 મંત્રાલયોમાંથી 18 મંત્રાલયો સંભાળતા હતા, જેમાંથી નાણા મંત્રાલય, ગૃહ મંત્રાલય, આબકારી અને PWDના પ્રમુખ હતા. આ સાથે સત્યેન્દ્ર જૈન ધરપકડ પહેલા આરોગ્ય વિભાગ સંભાળતા હતા, પરંતુ ધરપકડ બાદ મનીષ સિસોદિયા આરોગ્ય વિભાગનું કામ પણ જોઈ રહ્યા હતા. જૈન હાલમાં કોઈપણ મંત્રાલય વિના મંત્રી હતા.

 
હાલ કોઈ નવા મંત્રી નહી બને - સૂત્ર
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર આવ્યા છે કે હાલમાં સરકારમાં કોઈ નવા મંત્રી બનાવવામાં આવશે નહીં. વિભાગોની વહેંચણી વર્તમાન મંત્રીઓમાં જ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયાના મંત્રાલયોના કેટલાક વિભાગો કૈલાશ ગેહલોતને અને કેટલાક વિભાગો રાજકુમાર આનંદને આપવામાં આવશે. 
 
સીબીઆઈએ રવિવારે સિસોદિયાની કરી હતી ધરપકડ 
 
જણાવી દઈએ કે સીબીઆઈ દ્વારા રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લગભગ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, CBIએ તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા. આ પછી આજે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર