ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં સફાઈ કામદાર અને ચોકીદારના પુત્રોએ મેદાન માર્યું

ગુરુવાર, 9 મે 2019 (12:00 IST)
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુ છે. જેમાં સાયન્સ માટે મહત્વના ગણાતા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, તેમાં પણ કેમિસ્ટ્રીનું પરિણામ સૌથી ઓછું 72.86 ટકા આવ્યું છે. આ જ પ્રમાણે બાયોલોજીનું 74.60 ટકા અને ફિઝિક્સનું 76.20 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મેથેમેટિક્સનું 84.78 ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે આ પરિણામમાં ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ 17,803 છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પ્રથમ ભાષા વિષય તરીકે ગણવામાં આવે છે ત્યારે ગુજરાતી પ્રથમ ભાષાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે હિન્દી પ્રથમ ભાષાનું 99.46 ટકા, હિન્દી દ્વીતિય ભાષાનું 99.53 ટકા, અંગ્રેજી પ્રથમ ભાષાનું 98.74 ટકા, અંગ્રેજી દ્વીતિય ભાષાનું 95.76 ટકા ગુજરાતી દ્વીતિય ભાષાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ સાયન્સ 12ના જાહેર થયેલા પરિણામમાં સિવિલ હોસ્પિટલમાં કેર ટેકર(સફાઈ કામદાર) તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા સાથે અનોખી સિદ્ધિ મેળવી છે. યશના ભાઈ સિદ્ધાર્થ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી વિદ્યાર્થી બનેલા યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે. પરંતુ તેમના દીકરાઓના મોટા માણસ બનાવવા માટે તેમણે પેટ પાટા બાંધીને બંને પુત્રોને ભણાવવા માટે કોઈ કસર રાખા નથી.રાજકોટની માસુમ શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઇ ધોરીયાના પુત્ર સંજયને ધો.12 સાયન્સમાં 99.22 પીઆર આવ્યા છે. ચોકીદારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ચોકીદાર તરીકે નોકરી કરી હરેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે પુત્રના ઝળહળતા પરિણામને લઇને પિતા પણ ખુશ છે.સંજયે જણાવ્યું હતું કે, મારા પિતા રાજકોટમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે, વીંછિયામાં હું મારા કાકા સાથે રહેતો હતો અને ધોરણ 10માં 98.64 પીઆર મેળવતા ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ પરિવાર સાથે આવી ગયો હતો. આજે પણ મારી પાસે મોબાઇલ નથી. રેફરન્સ તથા ટેક્સબુક પર જ પૂરી તૈયારી કરી હતી. કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિનેશનલ કંપનીમાં મોટું સ્થાન મેળવવાનું લક્ષ્ય છે. ધોરણ 12માં પણ 99.22.પીઆર આવ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર