CMOમાં ધરખમ ફેરફારો - રૂપાણી સરકાર સમયના તમામ આઈએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂંક

બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:15 IST)
ગુજરાતમાં જ્યારથી મુખ્યમંત્રી બદલાયા છે ત્યારથી નવા ફેરફારો થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.  જેના પરિણામ સ્વરૂપ આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઈએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂંક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. જેમા એમ કે દાસની જગ્યાએ પંકજ જોષી અને અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંગની નિમણૂંક કરવામાં આવી છે.
 
રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.
 
16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાનાર હોવાથી નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજીંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર