ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને કેસમાં સતત ઘટાડો થતા સરકારે સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવા માટે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
રાજ્યમાં ધોરણ 12 ,કોલેજ અને પોલીટેક્નિક સંસ્થાઓના વર્ગો ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. ત્યારે હવે ધોરણ 9 થી 11 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જુદા જુદા સંચાલક મંડળો તરફથી શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે મળનારી કેબિનેટની બેઠકમાં પણ સરકાર 9 થી 11 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે નિર્ણય લે તેવી શક્યતાઓ જોવા મળે છે. આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.
શાળા સંચાલકોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી, તે જ રીતે આ વખતે પણ મંજૂરી આપવામા આવે. શાળા સંચાલકો પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરશે. ત્યારે આ હેતુથી આજની કેબિનેટ બેઠક બહુ જ મહત્વની બની રહેશે.