અમદાવાદ સહિત રાજ્યના 87 રેલવે સ્ટેશન વિકસિત કરાશે, મોટા શહેરોને નાના નગરો સાથે જોડતી વંદે મેટ્રો શરૂ થશે

શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (16:25 IST)
નાણાં મંત્રીએ સંસદમાં બજેટ રજુ કર્યું ત્યારે વર્ષ 2023-24માં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે પહેલીવાર 8332 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ વર્ષ 2009થી 2014 દરમિયાન ફાળવાયેલ સરેરાશ રકમ 589 કરોડ રૂપિયાથી 14 ગણી વધુ છે જે એક રેકોર્ડ છે. તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને શક્તિપીઠ અંબાજીને રેલવે સાથે કનેક્ટિવિટી આપવા સરકાર દ્વારા મંજૂર થયેલ મહેસાણા - અંબાજી રેલવે લાઈનની કામગીરી પણ ઝડપતી આગળ વધી રહી છે તેમ રેલવે મંત્રી અશ્વિની ‌વૈષ્ણવે જણાવ્યું હતું.

હાલ આ રૂટ પર ડિઝાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં ટ્રેક, રૂટ પર આવતા બ્રિજ, ટનલ, ક્રોસિંગ સહિત અન્ય સ્ટ્રક્ચરની ડિઝાઈનની કામગીરી ચાલી રહી છે જે મંજૂર થયા બાદ ટેન્ડર સહિતની કામગીરી શરૂ કરાશે. દેશમાં પહેલીવાર મેટ્રો ટ્રેનની જેમ મોટા શહેરોને નાના શહેરો સાથે જોડતા 80થી 100 કિલોમીટરના નાના રૂટ પર વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ હેઠળ વંદે ભારત ટ્રેનના કોચ જેવા પરંતુ મેટ્રો ટ્રેનના કોચની ડિઝાઈન મુજબ વંદે મેટ્રોના કોચ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં ત્રણથી પાંચ કોચની વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી તેનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. જે સફળ રહ્યા બાદ તેને તબક્કાવાર દેશભરમાં વંદે મેટ્રો ટ્રેનો શરૂ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પર ખુબજ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેમાં ગુજરાતમાં 140 કિલોમીટર રૂટ પર સિવિલ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જ્યારે ગુજરાતમાં બાકીના રૂટ પર પણ કામગીરી સારી રીતે આગળ વધી રહી છે. તેની સાથે જ હવે મહારાષ્ટ્રમાં પણ ટેકનિકલ અવરોધો દૂર થતા આ વર્ષે ત્યાં પણ સિવિલ કામ શરૂ થઈ જાય તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર