ગુજરાત સરકાર હંગામી કર્મચારી મુકી સામાન્ય વહીવટનું ગાડું ગબડાવે રાખે છે
P.R
૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો દાવો મજબુત બનાવવા માટે ભાજપ ગુજરાતના વિકાસનું મોડલ દેશભરમાં રજૂ કરે છે. પણ, એકતરફ ગુજરાત સમૃદ્ધ અને વિકસીત બન્યું હોવાના દાવા થાય છે પણ, ૨૪ વર્ષ પહેલાં કરકસરના નામે સરકારી નોકરીઓમાં ભરતી પર પ્રતિબંધ મૂકનારી સરકારની ગરીબી હજુ કદાચ દુર થઇ નથી એટલે આ પ્રતિબંધ યથાવત છે. હાલત એ છે કે વર્ષોવર્ષ હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા જાય છે. તેની સામે સરકાર જયાં અનિવાર્ય થઇ પડે ત્યાં હંગામી કર્મચારી મુકી ગાડું ગબડાવી દે છે. આ પરિસ્થિતિ ચાલુ રહી તો ૨૦૨૦માં માત્ર ૨.૨૧ લાખ કર્મચારી જ રહેશે અને તેના કારણે આમ પણ હાલ વેરવિખેર થઇ ચુકેલું સરકારી વહીવટીતંત્ર લગભગ પડી ભાંગવાના આરે આવી જશે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે.
ગુજરાતમાં કરસકરના ભાગરુપે છેલ્લા ૨૫ વર્ષથી કર્મચારીઓની રેગ્યુલર ભરતી પર પ્રતિબંધ હોવાથી દર વર્ષે હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા હોવા છતાં નવા કર્મચારીઓ લેવામાં આવતા નથી. રાજ્ય સરકાર દ્વારા ભરતી પરનો પ્રતિબંધ આ રીતે જ ચાલુ રખાય તો ૨૦૧૨-૧૩થી ૨૦૨૦ સુધીના સાત વર્ષના ગાળામાં ૧.૩૩ લાખ કર્મચારીઓ નિવૃત્ત થશે અને સરકારના વિવિધ ૩૦ વિભાગનો વહીવટ ઠપ થઈ જશે. કર્મચારીઓની ખોટ ભરપાઈ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષથી ફિક્સ પગારની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે, પરંતુ તેનાથી વહીવટી માળખું વધુ વેરવિખેર થઈ રહ્યું છે.
ગાંધીનગરમાં નીતિઓ ઘડાય છે પરંતુ તેનો અમલ કરાવનારા અને સરકારના હાથ-પગ સમાન કર્મચારીઓની અછતને પગલે વહીવટી પ્રક્રિયામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. ફિક્સ પગારદાર કર્મચારીઓને પાંચ વર્ષ સુધી સરકારના કોઈ લાભ મળતા નથી અને સરકારી ચોપડે તેમની ગણતરી સરકારી કર્મચારી તરીકે થતી નથી. એવી જ રીતે તેમની જવાબદારી પણ ફિક્સ થતી નથી. ગુજરાત સરકારના પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વિભાગના સત્તાવાર ચોપડે ૨૦૦૭માં ૪,૬૯,૧૩૩ કર્મચારીઓ નોંધાયેલાં હતા. ૨૦૧૨માં આ કર્મચારીઓની સંખ્યા ઘટીને ૩.૭૧ લાખ થઈ ગઈ છે. વિભાગની નોંધ મુજબ ૨૦૧૪ સુધીમાં વધુ ૩૬ હજાર કર્મચારીઓ નિવૃત્ત થતાં આ સંખ્યા ઘટીને ૩.૩૫ લાખ સુધી પહોંચી જશે. વરસોવરસ નિવૃત્ત થતાં કર્મચારીઓની સંખ્યા જોઈએ તો ૨૦૨૦ સુધીમાં રાજ્ય સરકાર પાસે વહીવટ માટે માત્ર ૨.૨૧ લાખ કર્મચારીઓ જ બચ્યા હશે.
સરકારની આ નીતિના કારણે '૯૦ના દાયકામાં સ્નાતક થયા હોય તેવા યુવક યુવતીઓની એક આખી પેઢી સરકારી નોકરીઓથી વંચિત જ રહી ગઇ છે. હજારો તેજસ્વી યુવક-યુવતીઓ ફિક્સ પગારની નોકરીમાં કારમી ભીંસ અને શોષણનો અનુભવ કરી રહ્યાં છે.
૧૯૯૦થી ભરતી પર પ્રતિબંધ, હંગામી કર્મચારીઓથી ગાડું ગબડાવાય છે
ગુજરાતમાં નાણાકીય કરકસરના ભાગરુપે તત્કાલીન મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલની સકારે કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેમાં આરોગ્ય અને શિક્ષણ જેવી કેટલીક આવશ્યક સેવાને મુક્તિ અપાઈ હતી. ત્યારપછી સત્તામાં આવેલી સરકારોએ આ નિયમનું ચુસ્ત પાલન કર્યું હોવાથી રાજ્યમાં છેલ્લા ૨૪ વર્ષથી કાયમી કર્મચારીઓની ભરતી લગભગ બંધ જેવી છે. આ સ્થિતિમાં સરકારી વિભાગોમાં અનુભવી કર્મચારીની ખોટ વર્તાય છે અને તેની વિપરીત-ગંભીર અસર વહીવટ પર પડે છે એમ સચિવાલય ફેડરેશનના પૂર્વ પ્રમુખ મનુભાઈ પટેલ કહે છે.
નિવૃત્તિની વય વધારી ગ્રેચ્યુટી, પેન્શનનો બોજો નિવારી શકાય
ગુજરાતમાં કર્મચારીઓની સંખ્યામાં થઈ રહેલાં ઉત્તરોત્તર ઘટાડાને નાથવા માટે કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષની કરવામાં આવે તો ફિક્સ પગારના કર્મચારીઓને નિવૃત્તિને આરે પહોંચેલાં કર્મચારીઓની સાથે કામગીરીનો અનુભવ પણ મળશે. એટલું જ નહીં, નિવૃત્ત કર્મચારીને આપવાના થતાં ગ્રેચ્યુટી અને પેન્શન સહિતના બોજાથી સરકાર ઉગરી શકે એવું ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ અને સહ કન્વીનર ગિરીશ રાવલ અને સચિવાલય ફેડરેશનના પૂર્વ પ્રમુખ મનુભાઈ પટેલનું કહેવું છે.