ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચારના રણશીંગા ફૂંકાશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જનસભાઓ થશે
શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (14:19 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તા.૩જી અને ૧૦મી ડિસેમ્બર ૨૦૧૭ના બે તબક્કે યોજાવાની શક્યતા છે. ત્યારે ભાજપ કૉંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સપ્ટેમ્બર મહિનો ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ રહેશે. ભૂતકાળમાં સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ઘણી રાજકીય હલચલ મચી ગયાના દાખલા છે. આ વખતે પણ ચૂંટણીની દૃષ્ટિએ નવમો મહિનો નિર્ણાયક બનશે. ૧૯ ઓકટોબરે દિવાળી છે. ચૂંટણી દિવાળી પહેલા જાહેર થાય કે પછી દિવાળી ટાણે એક તરફ ફટાકડા ફૂટતા હશે અને બીજી તરફ લોકશાહીના મોટા પર્વના દીવડા ઝળહળતા હશે. સપ્ટેમ્બર મહિનો આચારસંહિતા લાગુ પડતા પૂર્વેનો છેલ્લો મહિનો હોવાથી રાજકીય ઝંઝાવાતનો મહિનો બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત ગજાવવા આવી રહ્યા છે. બધા નેતાઓનું હવે પછીના પ્રવાસનું લક્ષ્ય ધારાસભાની ચૂંટણી હોય તે સ્વભાવિક છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ બે વખત મુલતવી રહેલી નર્મદા યાત્રાનું હવે ત્રીજી વખત આયોજન તા.૬ઠ્ઠી સપ્ટેમ્બરથી કરાશે. નર્મદા ડેમની ઉંચાઈ સંબંધી કામ પૂરું થતા વડા પ્રધાનની હાજરીમાં સરકાર દ્વારા નર્મદા લોકાર્પણનો ભવ્ય સમારંભ યોજાશે. કોંગ્રેસ દ્વારા પણ યાત્રાનું આયોજન થઈ રહ્યુ છે. ભાજપ સરકાર સમગ્ર ગુજરાતને આવરી લેતી નર્મદા યાત્રા યોજશે. જેનો સંભવિત સમયગાળો પણ સપ્ટેમ્બર-ઓકટોબરનો રહેશે. ચૂંટણી નજીક આવી પહોંચી હોવાથી ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમોમાં વેગ આવશે. સરકાર ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સિદ્ધીલક્ષી અને પ્રસિદ્ધિલક્ષી તમામ કાર્યક્રમો પુરા કરી દેવા માગે છે. ત્યાર બાદ ગમે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે. સપ્ટેમ્બર - ઓકટોબરમાં પક્ષપલટાની મોસમ પણ ખીલશે. ભાજપ, કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એકબીજામાં ભંગાણ કરાવવાના પ્રયાસો વધારશે. ઉમેદવાર પસંદગી માટે નિર્ણાયક તબક્કો શરૂ થશે. ગુજરાતની રાજકીય ક્ષિતિજે આ જ અરસામાં ત્રીજા રાજકીય પરિબળના પણ ડોકીયા થઈ રહ્યા છે. ચૂંટણી વિધાનસભાની હોવા છતાં વડા પ્રધાનનું હોમસ્ટેટ હોવાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચાશે. રાજ્યની ચૂંટણીનાં પરિણામની વિદેશોમાં પણ નોંધ લેવાશે. તહેવારોનો માહોલ પૂરો થતા રાજકીય ગતિવિધિ તેજ બની છે. આવતો મહિનો ચૂંટણી પ્રચારનાં રણશીંગાં ફૂંકાવાનો મહિનો બની રહેશે. ન ધારી હોય તેવી રાજકીય ઘટનાઓ સપ્ટેમ્બરમાં સંભવ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કૉંગ્રેસમાંથી છેડો ફાડીને અલગ થયેલા શંકરસિંહ વાઘેલા ભાજપને લાભ ખટવવા માટે ત્રીજો મોરચો બનાવે એવી પણ શક્યાતા છે. ઉપરાત એનસીપી અને શિવસેનાએ પણ ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે.ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે કૉંગ્રેસે પણ ૧૨૫ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે થવાની છે. પણ અપક્ષો અને નાના રાજકીય પક્ષો કોના કેટલા મત બગાડે છે તે જોવાનું રહ્યું. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી મરણીયો જંગ બનશે તે નક્કી છે.